ઉત્તરાખંડના તેહરી જિલ્લામાં 18 ઓક્ટોબરે કુંજાપુરી મેળા દરમિયાન નવરાત્રિના એક કાર્યક્રમમાં ગાયક દલેર મહેંદીના પર્ફોર્મન્સ વખતે વિવાદ સર્જાયો હતો. કાર્યક્રમ ચાલુ હતો ત્યારે ધારાસભ્ય સુબોધ ઉનિયાલ સ્ટેજ પર આવ્યા અને માઇક પકડીને દલેર મહેંદી પર દારૂ પીવાનો આરોપ લગાવ્યો. તેમણે દલેર મહેંદીને તરત જ ગાવાનું બંધ કરીને સ્ટેજ પરથી નીચે ઉતરી જવાનું કહ્યું. ધારાસભ્યએ ઉપસ્થિત શ્રદ્ધાળુઓ સમક્ષ દાવો કર્યો કે માતાજીના પવિત્ર કાર્યક્રમમાં દલેર મહેંદી દારૂ પીને આવ્યા છે અને તેમની હાલત એવી છે કે તેઓ બરાબર બોલી કે ગાઈ શકતા નથી.
આ આક્ષેપો બાદ દલેર મહેંદીના નાના ભાઈ અને જાણીતા ગાયક મિકા સિંહે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને તેમનો બચાવ કર્યો હતો. મિકાએ જણાવ્યું કે, 'દલેર પાજીએ મને કોઈ નિવેદન આપવાની ના પાડી હતી, પરંતુ એક ભાઈ અને ચાહક તરીકે બોલવું મારી ફરજ છે.' મિકાએ મીડિયા અને બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના સાથીઓને પડકાર ફેંકતા કહ્યું કે, 'જો કોઈ એક પણ વ્યક્તિ એ સાબિત કરી દે કે તેમણે દલેર મહેંદીને ક્યારેય દારૂ પીતા જોયા છે, તો હું ગાયકી છોડી દઈશ.'
મિકા સિંહે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, 'દલેર મહેંદી છેલ્લા 30 વર્ષથી સુપરસ્ટાર છે અને તેમણે જીવનમાં ક્યારેય દારૂને સ્પર્શ પણ કર્યો નથી.' મિકાએ ખુલાસો કર્યો કે, 'તાજેતરમાં જ દલેર મહેંદીનું એક ગંભીર ઓપરેશન થયું હતું. તબિયત લથડેલી હોવા છતાં, આયોજકોને આપેલું વચન નિભાવવા માટે તેઓ સ્ટેજ પર આવ્યા હતા. કલાકારો ઘણીવાર 104 ડિગ્રી તાવ કે ગંભીર બીમારી હોવા છતાં પણ પર્ફોર્મ કરતા હોય છે. તેથી સ્ટેજ પર દલેર મહેંદી બરાબર ઊભા ન રહી શક્યા કે ગાઈ ન શક્યા, તેનું સાચું કારણ તેમની ખરાબ તબિયત હતી, દારૂનું સેવન નહીં.'
59 વર્ષીય દલેર મહેંદીએ પણ પોતે દારૂ ન પીતા હોવાનું જણાવ્યું હતું. 2024માં આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે તેઓ દારૂનું સેવન કરતા નથી અને આ જ સંયમ તથા પરેજીના કારણે તેમનો અવાજ આજે 27 વર્ષ પછી પણ પહેલા જેવો જ જળવાઈ રહ્યો છે. દલેર મહેંદી 1990ના દાયકામાં 'બોલો તારા રારા' અને 'ટુનક ટુનક તુન' જેવા પંજાબી પૉપ ગીતોથી ઘરઘરમાં જાણીતા બન્યા હતા. તેમણે 'રંગ દે બસંતી' અને 'ના ના ના રે' જેવા અનેક સુપરહિટ બોલિવૂડ ગીતો પણ ગાયા છે.