માઇક્રોસોફ્ટની ઈમેલ સેવા આઉટલુક અને માઇક્રોસોફ્ટ 365 ગુરુવારે બપોરથી અચાનક ઠપ થઈ જવાને કારણે ભારત સહિત દુનિયાભરમાં કરોડો યુઝર્સને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. યુઝર્સ ન તો પોતાનું મેઇલબોક્સ ખોલી શકતા હતા, ન તો નવા ઈમેલ મોકલી શકતા હતા કે ન તો ઈમેલ રિસીવ થઈ રહ્યા હતા. આ સમસ્યાને કારણે અનેક કંપનીઓના રોજિંદા કામકાજ પર પણ અસર પડી હતી.
ડાઉનડિટેક્ટર પર બપોરે 1 વાગ્યા પછી લગભગ 1.30 લાખ યુઝર્સે આઉટલુકમાં સમસ્યાની ફરિયાદ કરી હતી. આ ઉપરાંત માઇક્રોસોફ્ટ ટીમ્સ, કોપાયલટ અને માઇક્રોસોફ્ટ 365માં પણ હજારો યુઝર્સે મુશ્કેલીની જાણ કરી હતી. કંપનીએ શરૂઆતમાં ધાર્યું હતું કે સમસ્યા ફક્ત અમેરિકામાં જ છે, પરંતુ બાદમાં તે વૈશ્વિક સ્તરે ફેલાયેલી હોવાનું જાણવા મળ્યું.
માઇક્રોસોફ્ટે જણાવ્યું કે કેટલાક સર્વર પર અચાનક ખૂબ વધારે લોડ આવી ગયો હતો. ઓટોમેટિક હેલ્થ ચેક દરમિયાન ઘણા સર્વર ફેલ થઈ ગયા, જેના કારણે તેઓ આપમેળે બંધ થઈ ગયા. કંપનીએ સ્પષ્ટ કર્યું કે આ સમસ્યા કોઈ હેકિંગ કે સાયબર હુમલાને કારણે નથી, પરંતુ કંપનીની સિસ્ટમમાં આવેલી આંતરિક ખામી છે.
સમસ્યાના નિરાકરણ માટે કંપની સર્વરના એક નાના ભાગને અલગ કરીને રિસ્ટાર્ટ કરી રહી છે અને પછી ધીમે-ધીમે તેના પર ટ્રાફિક મોકલીને તપાસ કરી રહી છે કે તે ટકી રહે છે કે નહીં. જો તે સફળ થશે, તો આ જ પદ્ધતિ બાકીના સર્વરો પર પણ લાગુ કરવામાં આવશે. ગુરુવારે સાંજે 5 વાગ્યા સુધીમાં નોર્થ અમેરિકામાં ટીમ્સની સમસ્યા ઠીક કરી દેવામાં આવી હતી અને મોટાભાગના યુઝર્સ માટે કોપાયલટ પણ પાછું આવ્યું હતું, જોકે આઉટલુક/ઈમેલ હજુ પણ અટકેલું છે.