સત્ય. સાહસ. સંકલ્પ.

માઈક્રોસોફ્ટ 365 74 દેશોમાં ઠપ, ચીન કેમ બચી ગયું? જાણો તેની 3 ડિજિટલ વ્યૂહરચના

માઈક્રોસોફ્ટ 365 74 દેશોમાં ઠપ, ચીન કેમ બચી ગયું? જાણો તેની 3 ડિજિટલ વ્યૂહરચના

માઈક્રોસોફ્ટની ક્લાઉડ સેવાઓમાં આવેલી ખામીને કારણે 74 દેશોમાં ડિજિટલ કામકાજ ઠપ થઈ ગયું હતું. Outlook, Teams અને Copilot જેવા પ્લેટફોર્મ કામ ન કરતા ઓફિસોમાં મીટિંગ્સ અટકી અને ફ્લાઇટ્સ પણ રદ થઈ. પરંતુ આ વૈશ્વિક સંકટની ચીન પર લગભગ કોઈ અસર થઈ નહોતી. ચીને અલગ ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્થાનિક સોફ્ટવેર અને ડેટા સ્ટોરેજના કડક નિયમો અપનાવ્યા છે, જેના કારણે તે આ ખામીથી બચી ગયું.

માઈક્રોસોફ્ટ ચીનમાં તેની Microsoft 365 સેવા સીધી રીતે સંભાળતું નથી. તેણે આ સેવાનું લાઇસન્સ સ્થાનિક કંપની 21Vianetને આપ્યું છે. આ કંપની ચીનની અંદર જ અલગ ક્લાઉડ સિસ્ટમ ચલાવે છે. તેથી ચીનની સિસ્ટમ માઈક્રોસોફ્ટના વૈશ્વિક નેટવર્ક પર સીધી નિર્ભર નથી. પરિણામે, વૈશ્વિક નેટવર્કમાં થયેલી ખામીની અસર ચીન સુધી પહોંચી નહોતી.

ચીનની સરકારી એજન્સીઓ અને મોટી કંપનીઓ છેલ્લા ઘણા વર્ષોથી પશ્ચિમી ટેક્નોલોજી પરની નિર્ભરતા ઘટાડી રહી છે. ત્યાંના ઓફિસ કામકાજ માટે WPS Office, DingTalk, WeCom અને Feishu જેવા સ્થાનિક પ્લેટફોર્મનો ઉપયોગ થાય છે. તેથી માઈક્રોસોફ્ટની સેવા બંધ થવા છતાં ચીનની ઘણી સરકારી અને ખાનગી સંસ્થાઓના કામ પર અસર થઈ નહોતી.

ચીનના ડેટા ગવર્નન્સ નિયમો પણ મહત્ત્વના છે. સંવેદનશીલ ડેટાના સંગ્રહ, પ્રોસેસિંગ અને ટ્રાન્સફર માટે કડક નિયમો છે. ઘણા કિસ્સાઓમાં ડેટા દેશની અંદર જ રાખવો પડે છે અને સરહદ પાર મોકલવા માટે મંજૂરી લેવી પડે છે. આ નીતિએ ચીનમાં સ્વતંત્ર ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવ્યું છે, જે વૈશ્વિક નેટવર્કની ખામીઓથી સ્થાનિક સિસ્ટમને બચાવે છે.

આ ઘટનાએ ડેટા સંપ્રભુતા (Data Sovereignty) અંગે વૈશ્વિક ચર્ચા શરૂ કરી છે. ટેક્નોલોજી નિષ્ણાતો કહે છે કે માત્ર એક-બે મોટી ક્લાઉડ કંપનીઓ પર વધુ નિર્ભરતા 'સિંગલ પોઇન્ટ ઓફ ફેલ્યોર'નું જોખમ ઊભું કરે છે. એટલે કે, એક કંપનીની સિસ્ટમ ખામીવાળી થાય તો તેના પર નિર્ભર દેશો અને સંસ્થાઓનું કામ ઠપ થઈ શકે છે. ચીનની ત્રણ વ્યૂહરચનાઓ દર્શાવે છે કે ડિજિટલ યુગમાં માત્ર અદ્યતન ટેક્નોલોજી પૂરતી નથી, પોતાના ડેટા અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર નિયંત્રણ પણ એટલું જ જરૂરી છે.