સત્ય. સાહસ. સંકલ્પ.

74 દેશોમાં Microsoft આઉટેજ: હેકર નહીં, તો શું 'AI એજન્ટ' છે જવાબદાર?

74 દેશોમાં Microsoft આઉટેજ: હેકર નહીં, તો શું 'AI એજન્ટ' છે જવાબદાર?

માઈક્રોસોફ્ટની આઉટલુક, ટીમ્સ અને માઈક્રોસોફ્ટ 365 જેવી મુખ્ય સેવાઓ 12 નવેમ્બરથી 74 દેશોમાં ખોરવાઈ ગઈ છે. 15 કલાકથી વધુ સમય વીત્યા પછી પણ સેવાઓ સંપૂર્ણપણે પૂર્વવત થઈ શકી નથી. આથી અનેક યુઝર્સને કામકાજમાં મુશ્કેલી પડી રહી છે.

આ વૈશ્વિક આઉટેજ પાછળ કોઈ સામાન્ય હેકર નહીં, પણ સ્વયં સંચાલિત 'એઆઈ એજન્ટ' જવાબદાર હોવાની આશંકા ચર્ચામાં છે. તાજેતરમાં ઓપનએઆઈ અને એન્થ્રોપિક જેવી કંપનીઓના એઆઈ મોડલ ટેસ્ટિંગ દરમિયાન નિયંત્રણ બહાર ગયાની ઘટનાઓ સામે આવી હોવાથી આ ચર્ચાને બળ મળ્યું છે. જોકે, માઈક્રોસોફ્ટે સાયબર હુમલાને સ્પષ્ટ ઇનકાર કર્યો છે.

માઈક્રોસોફ્ટના સર્વરમાં ખરેખર શું ખામી સર્જાઈ?

કંપનીના ટેકનિકલ અપડેટ મુજબ, આઉટેજની શરૂઆત કેટલાક સર્વરના સ્વયં સંચાલિત હેલ્થ ચેક ફેલ થવાથી થઈ. તેના કારણે બીજા સર્વર પર ટ્રાફિકનો ભાર અચાનક વધી ગયો અને યુઝર્સની માંગણીઓ પ્રોસેસ થતી અટકી. સુરક્ષિત કનેક્શન બનાવવાની પ્રક્રિયા પર વધુ દબાણ આવ્યું, ઉપરાંત નેટવર્ક કોન્ફિગરેશનમાં તાજેતરમાં કરાયેલા ફેરફારો પણ આ ખામી માટે જવાબદાર હોવાની શક્યતા છે. અસરગ્રસ્ત સર્વર રિસ્ટાર્ટ કર્યા પછી ફરી ટ્રાફિક આવતાં તે બંધ થઈ રહ્યા છે, જેથી સેવાઓ શરૂ કરવામાં વિલંબ થઈ રહ્યો છે.

એઆઈ એજન્ટ પર શંકા કેમ ઊઠી રહી છે?

એઆઈ એજન્ટના જોખમો અંગે જુલાઈ 2026માં ઓપનએઆઈએ કરેલો ખુલાસો મહત્ત્વનો છે. સાયબર સુરક્ષા ટેસ્ટિંગ દરમિયાન ઓપનએઆઈના કેટલાક એઆઈ એજન્ટ પોતાના મર્યાદિત વાતાવરણની બહાર નીકળીને ઇન્ટરનેટ મારફતે બીજી સિસ્ટમમાં ઘૂસી ગયા હતા. તપાસમાં જાણવા મળ્યું કે આ એજન્ટે હગિંગ ફેસના સર્વર પર એડમિન કક્ષાની એક્સેસ મેળવીને ખાનગી ડેટા સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો. તેવી જ રીતે, સપ્ટેમ્બર 2026માં એન્થ્રોપિકના ક્લોડ મિથોસ મોડલે પણ ટેસ્ટિંગ દરમિયાન મર્યાદા ઓળંગીને PyPI પ્લેટફોર્મ પર જોખમી પેકેજ અપલોડ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે હગિંગ ફેસ પર થયેલા હુમલા પાછળ કોઈ ચોક્કસ એઆઈ મોડલ જવાબદાર હતું તે સાબિત થયું નહોતું.

શું આ આઉટેજ પાછળ એઆઈનો હાથ છે?

હાલના તબક્કે માઈક્રોસોફ્ટ આઉટેજમાં એઆઈ એજન્ટ કે કોઈ હેકરની સંડોવણી હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. માઈક્રોસોફ્ટે સ્પષ્ટ કર્યું છે કે આ સમસ્યા સર્વરની ઉપલબ્ધતા અને નેટવર્ક કોન્ફિગરેશન સાથે જોડાયેલી છે. ઓસ્ટ્રેલિયાના સાયબર સુરક્ષા મંત્રી ટોની બર્કે પણ આ ઘટનાને સાયબર હુમલો માનવાનો ઇનકાર કર્યો છે અને તેની સરખામણી 2024ના ક્રાઉડસ્ટ્રાઈક સંકટ સાથે કરી છે, જ્યારે ખામીયુક્ત સોફ્ટવેર અપડેટને કારણે વિશ્વભરની સિસ્ટમ ઠપ થઈ ગઈ હતી.

કંપનીઓ સામે નવો પડકાર

માઈક્રોસોફ્ટ આઉટેજનું ચોક્કસ કારણ આંતરિક તપાસ બાદ જ સ્પષ્ટ થશે અને અત્યારે તેને એઆઈ હુમલો ગણવો ઉતાવળ ગણાશે. તેમ છતાં, ઓપનએઆઈ અને એન્થ્રોપિકની ઘટનાઓ દર્શાવે છે કે એઆઈ એજન્ટ સાયબર સુરક્ષા માટે બેધારી તલવાર બની ચૂક્યા છે. આગામી સમયમાં ટેક કંપનીઓ માટે માત્ર સર્વર સુરક્ષિત રાખવા પૂરતું નહીં હોય, પણ એઆઈ એજન્ટને કેટલી પરવાનગી આપવી અને તેમની પ્રવૃત્તિઓ પર કેવી રીતે નિયંત્રણ રાખવું તે પણ મોટો પડકાર બનશે.