સત્ય. સાહસ. સંકલ્પ.

માઇક્રોસોફ્ટ આઉટેજઃ વૈશ્વિક સ્તરે ૭ અબજ ડોલરના નુકસાનનો દાવો, સેવાઓ પૂર્વવત

માઇક્રોસોફ્ટ આઉટેજઃ વૈશ્વિક સ્તરે ૭ અબજ ડોલરના નુકસાનનો દાવો, સેવાઓ પૂર્વવત

શિકાગો: માઇક્રોસોફ્ટની આઉટલૂક, ટીમ્સ સહિતની સેવાઓ ૨૪ કલાકથી વધુ સમય ખોરવાયેલી રહેતાં વૈશ્વિક ઉત્પાદકતામાં સાત અબજ ડોલર જેટલું નુકસાન થયું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે, આ ટેકનિકલ ખામીને કારણે થયેલા આર્થિક નુકસાનનો વાસ્તવિક આંકડો થોડા સમય પછી સામે આવી શકે છે. બીજી બાજુ, આ આઉટેજને કારણે વિશ્વભરની વીમા કંપનીઓ પાસે ૩૦ કરોડથી ૫૦ કરોડ ડોલર સુધીના ક્લેમ આવવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ હોબાળા વચ્ચે માઇક્રોસોફ્ટે શનિવારે જણાવ્યું હતું કે લગભગ ૨૪ કલાક કરતાં વધુ સમય પછી તેની સેવાઓ સંપૂર્ણપણે પૂર્વવત થઈ ગઈ છે. કંપનીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે આ ઘટનાના સંદર્ભમાં હાથ ધરેલી જરૂરી કાર્યવાહીના પગલે બધી સેવાઓ પૂર્વવત થઈ છે.

માઇક્રોસોફ્ટના આ આઉટેજની અસર વિવિધ દેશોની સરકારો, આરોગ્ય સેવાઓ, અદાલતો, ધંધા-રોજગાર, એરલાઇન્સ અને અનેક સ્થળોએ બેંકોની કામગીરી પર પડી હતી. અમેરિકા, બ્રિટન, જાપાન, સિંગાપોર, ઓસ્ટ્રેલિયા અને ભારત સહિતની સરકારોને તેમની કેટલીક કામગીરી શરૂ કરવા માટે કલાકો સુધી રાહ જોવી પડી હતી. વિશ્વના ૭૪થી વધુ દેશોમાં ૪૩ કરોડથી વધુ લોકો પર આ આઉટેજની અસર થઈ હતી. વિશ્વમાં કુલ ૪૩ કરોડ લોકો માઇક્રોસોફ્ટ ૩૬૫ એપનો ઉપયોગ કરે છે.

અનેક યુઝર્સે જણાવ્યું હતું કે માઇક્રોસોફ્ટ ૩૬૫ સેવાઓમાં આઉટલૂક, ટીમ્સ અને એઆઈ આસિસ્ટન્ટ કોપાયલોટનો સમાવેશ થાય છે, અને આ બધી સેવાઓ અવરોધાઈ હતી. ડાઉનડિટેક્ટરે જણાવ્યું હતું કે તેને ૭૪થી વધુ દેશોમાંથી કુલ ૭૪ લાખથી વધુ ફરિયાદો મળી છે. વોશિંગ્ટન સ્થિત રેડમંડે આ બનાવ બદલ દિલગીરી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આ કોઈ સાઇબર હુમલો ન હતો કે ન તો એઆઈ એજન્ટ્સનું કામ હતું.

માઇક્રોસોફ્ટનું કહેવું છે કે આ પરેશાની સર્વરમાં આવેલી ખરાબીના કારણે થઈ હતી. તેની અસર કંપનીના એઆઈ આધારિત સહાયક કોપાયલોટ પર પડી હતી. કંપનીએ જણાવ્યું હતું કે સમસ્યા દૂર કરવા માટે સોફ્ટવેરમાં જરૂરી ફેરફાર કરવામાં આવી રહ્યા છે અને આ ફેરફારો મોટાપાયે લાગુ કરવામાં આવશે.

ડાઉનડિટેક્ટર પર એક સમયે પ્રતિ મિનિટ લગભગ ૨૦ હજાર ફરિયાદો મળતી હતી. આ ફરિયાદો સામાન્ય દિવસોની તુલનાએ ૧,૫૦૦ ગણી વધારે હતી. માઇક્રોસોફ્ટના ઇતિહાસમાં આને અત્યાર સુધીની સૌથી મોટી ખરાબી માનવામાં આવી રહી છે. આ વર્ષે કંપનીની સેવાઓમાં બીજી વખત આઉટેજ જોવા મળ્યો છે.

બ્રિટનની સરકારે જણાવ્યું હતું કે તે આ ખરાબી દૂર કરવા માટે માઇક્રોસોફ્ટ સાથે મળીને કામ કરી રહી છે. તેના કારણે સરકારી આરોગ્ય સેવા એનએચએસ અને લંડનની મેટ્રોપોલિટન પોલીસે પણ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. ઇ-મેઇલ અને બીજી ઓનલાઇન સેવા બંધ હોવાથી પોલીસની ગુના ઓનલાઇન નોંધવાની વ્યવસ્થા પર પણ અસર પડી હતી. જ્યારે એનએચએસ સાથે જોડાયેલી આરોગ્ય સેવાઓએ કામ ચાલુ રાખવા માટે બીજી કમ્પ્યુટર વ્યવસ્થા અને કાગળોનો સહારો લેવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયામાં પણ જાસૂસી વ્યવસ્થા અને ફેડરલ પોલીસની કામગીરી પર આ આઉટેજની અસર પડી હતી.

ભારતમાં પણ આ ટેકનિકલ ખરાબીની અસર જોવા મળી હતી. ઇન્ડિગો, અકાસા અને એર ઇન્ડિયાના પ્રવાસીઓએ જણાવ્યું હતું કે તેમને ઇમેઇલ દ્વારા મદદ આપતી સેવા પર અસર પડી છે. તેના કારણે પ્રવાસીઓને તેમના સવાલોના જવાબો અને ફરિયાદોનો વળતો જવાબ મેળવવામાં મોડું થાય તેવી સંભાવના છે.