માઇક્રોસોફ્ટની સેવાઓમાં ગુરુવારે શરૂ થયેલી ટેકનિકલ ખામી શુક્રવારે પણ ચાલુ રહી હતી. આઉટલુક, માઇક્રોસોફ્ટ ટીમ્સ અને માઇક્રોસોફ્ટ 365ની અન્ય એપ્લિકેશનો ખોરવાતાં વિશ્વભરમાં લાખો યુઝર્સ પ્રભાવિત થયા હતા. હોંગકોંગ, ઓસ્ટ્રેલિયા, જાપાન, ફિલિપાઇન્સ, સિંગાપુર અને ભારતમાં પણ સરકારી તથા વ્યાપારિક કામકાજ પર તેની અસર પડી હતી.
કંપનીએ ખામીની પ્રથમ જાણકારી આપ્યાના 12 કલાકથી વધુ સમય વીતી ગયા બાદ પણ એન્જિનિયરો સિસ્ટમ સંપૂર્ણપણે ઠીક કરવા માટે મથી રહ્યા હતા. માઇક્રોસોફ્ટે જણાવ્યું હતું કે સુધારામાં આંશિક પ્રગતિ થઈ છે, પરંતુ સાથે જ સ્વીકાર્યું હતું કે સમારકામના પ્રયાસો ધાર્યા મુજબ પરિણામ આપી રહ્યા નથી. કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે આ ખામી પાછળ સાયબર હુમલા કે દૂષિત પ્રવૃત્તિના કોઈ પુરાવા મળ્યા નથી. સોફ્ટવેર અપડેટની સમસ્યાને કારણે આ ખામી સર્જાઈ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
હોંગકોંગમાં મોર્ગન સ્ટેનલી અને ગોલ્ડમેન સૅક્સ જેવી અગ્રણી નાણાકીય સંસ્થાઓના કર્મચારીઓ ઈમેઇલ અને માઇક્રોસોફ્ટ ટીમ્સનો ઉપયોગ કરી શક્યા નહોતા, જેનાથી દૈનિક કામગીરી અટકી પડી હતી. એક બૅન્કરે મીડિયાને જણાવ્યું હતું કે થોડાક ઈમેઇલ મળી રહ્યા છે, પરંતુ લાખો સંદેશા બેકલોગમાં ફસાયા હોવાની શક્યતા છે. વિદેશી ગ્રાહકો સાથે સંવાદ પર નિર્ભર વ્યવસાયોને પણ આનાથી મોટો ફટકો પડ્યો હતો.
ઓસ્ટ્રેલિયામાં શાળાઓ, અદાલતો અને સરકારી કચેરીઓના કર્મચારીઓને આઉટલુક સહિતની માઇક્રોસોફ્ટ એપ્લિકેશન ખોલવામાં ભારે મુશ્કેલી પડી હતી. ઓસ્ટ્રેલિયાના ગૃહ બાબતોના મંત્રી ટોની બર્કે જણાવ્યું હતું કે માઇક્રોસોફ્ટે આ ઘટનાની સરખામણી જુલાઈ 2024માં થયેલા ક્રાઉડસ્ટ્રાઇક આઉટેજ સાથે કરી છે. મંત્રીએ ઓસ્ટ્રેલિયા ખાતેના માઇક્રોસોફ્ટના ટોચના અધિકારી અને રાષ્ટ્રીય સાયબર સુરક્ષા સંયોજક સાથે વાતચીત કર્યા બાદ જણાવ્યું હતું કે કંપનીને આ સાયબર હુમલો લાગતો નથી, પરંતુ કોઈ સોફ્ટવેર અપડેટને કારણે સમસ્યા સર્જાઈ હોવાની આશંકા છે.
જાપાનના સરકારી આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર આ આઉટેજની ગંભીર અસર જોવા મળી હતી, જેના કારણે શુક્રવારે વિવિધ મંત્રાલયો અને એજન્સીઓને ઈમેઇલ મોકલવામાં ભારે હાલાકી પડી હતી. ડેપ્યુટી ચીફ કેબિનેટ સેક્રેટરી મસાનાઓ ઓઝાકીએ માહિતી આપી હતી કે કામકાજ અટકે નહીં તે માટે સરકારી કર્મચારીઓ દસ્તાવેજોની ફિઝિકલ કોપી તૈયાર કરીને કામ ચલાવી રહ્યા છે.
ફિલિપાઇન્સની સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને ચેતવણી આપી હતી કે માઇક્રોસોફ્ટ 365ની ખામીના કારણે અદાલતી કામગીરી પ્રભાવિત થઈ છે, જેથી ઈમેઇલના જવાબો અને અન્ય વ્યવહારોમાં વિલંબ થઈ શકે છે. બીજી તરફ, સિંગાપુરની ગવર્નમેન્ટ ટેકનોલોજી એજન્સીએ પણ સરકારી ઈમેઇલ સેવાઓ ઠપ થઈ હોવાની પુષ્ટિ કરી હતી અને ઉકેલ માટે માઇક્રોસોફ્ટ સાથે સંકલનમાં હોવાનું જણાવ્યું હતું.
ભારતમાં ઉડ્ડયન ક્ષેત્રે પણ આ આઉટેજની આંશિક અસર જોવા મળી હતી. ઇન્ડિગો એરલાઇન્સે જણાવ્યું હતું કે તેમની ઈમેઇલ સપોર્ટ સેવા ખોરવાતાં ગ્રાહકોના પ્રશ્નો મેળવવામાં મુશ્કેલી પડી રહી છે, જોકે અન્ય કસ્ટમર સપોર્ટ ચેનલો અને ફ્લાઇટ સંચાલન રાબેતા મુજબ ચાલુ રહ્યા હતા. તેવી જ રીતે, અકાસા એર દ્વારા પણ મુસાફરોને ઈમેઇલ સેવામાં વિક્ષેપની જાણકારી આપવામાં આવી હતી.