ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ દિગ્ગજ બેટર માઈકલ હસીને નેશનલ ક્રિકેટ ટીમના કોચિંગ કન્સલ્ટન્ટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ 2027માં યોજાનારી એશિઝ સિરીઝ અને વન-ડે વર્લ્ડ કપની તૈયારીમાં ટીમને મદદ કરશે. આ ઉપરાંત, 2028 લોસ એન્જેલિસ ઓલિમ્પિક્સ અને ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડમાં યોજાનારા T20 વર્લ્ડ કપ માટે ટીમની T20 વ્યૂહરચના તૈયાર કરવામાં પણ તેમની મહત્વપૂર્ણ ભૂમિકા રહેશે.
હસીની નવી જવાબદારી ઇંગ્લેન્ડ સામેની આગામી T20 સિરીઝથી શરૂ થશે. ત્યારબાદ તેઓ ન્યૂઝીલેન્ડ સામે પર્થમાં યોજાનારી ટેસ્ટ સિરીઝની તૈયારીમાં પણ ટીમને મદદ કરશે. આ દરમિયાન તેઓ મુખ્ય કોચ એન્ડ્ર્યુ મેકડોનાલ્ડ સાથે કામ કરશે.
હસી આ પહેલાં પણ ઓસ્ટ્રેલિયન ટીમ સાથે થોડા સમય માટે બેટિંગ કન્સલ્ટન્ટની ભૂમિકા ભજવી ચૂક્યા છે. જોકે, કોમેન્ટ્રી અને ક્રિકેટ સંબંધિત અન્ય જવાબદારીઓને કારણે તેઓ લાંબા સમય સુધી ટીમ સાથે જોડાઈ શક્યા નહોતા.
આ વર્ષે ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન સ્ટીફન ફ્લેમિંગે ઇંગ્લેન્ડની ટેસ્ટ ટીમના હેડ કોચની જવાબદારી સંભાળી હતી. ત્યાર બાદ તેમણે પોતાના જૂના સાથી માઈકલ હસીની ઇંગ્લેન્ડના કોચિંગ સ્ટાફમાં સામેલ થવાની દરખાસ્ત કરી હતી. જોકે, હસીએ આ પ્રસ્તાવ ઠુકરાવી દીધો હતો અને ઓસ્ટ્રેલિયન ટીમ સાથે કામ કરવાને પ્રાથમિકતા આપી હતી. તેઓ આ પહેલાં પણ પર્થ ટેસ્ટ પહેલાં ઓસ્ટ્રેલિયન ટીમના બેટિંગ કન્સલ્ટન્ટ તરીકે જોડાઈ ચૂક્યા છે.
માઈકલ હસીની કોમેન્ટ્રી અને દુનિયાભરની T20 લીગમાં કોચિંગની જવાબદારીઓને કારણે તેઓ અત્યાર સુધી ઓસ્ટ્રેલિયન ટીમને વધુ સમય આપી શકતા નહોતા. તેઓ IPLમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ના બેટિંગ કોચ હતા. આ ઉપરાંત, ઇંગ્લેન્ડની ધ હન્ડ્રેડ લીગમાં વેલ્શ ફાયરનાં હેડ કોચની જવાબદારી પણ સંભાળી રહ્યા છે. હસી 2022માં ઇંગ્લેન્ડની T20 વર્લ્ડ કપ જીતનારી ટીમના કોચિંગ ગ્રુપનો ભાગ પણ હતા. તે સમયે મેથ્યુ મોટ ટીમના હેડ કોચ હતા.
નવી જવાબદારી મળતાં માઈકલ હસીએ ખુશી વ્યક્ત કરી. તેમણે કહ્યું, "આવનારા વર્ષોમાં વધુ ઔપચારિક અને મહત્વપૂર્ણ ભૂમિકામાં ઓસ્ટ્રેલિયન ટીમ સાથે જોડાવા અંગે હું ખૂબ જ ઉત્સાહિત છું. આ ટીમે તાજેતરના સમયમાં ઘણું બધું હાંસલ કર્યું છે. મને આશા છે કે આવનારા રોમાંચક અને પડકારજનક સમયમાં હું ખેલાડીઓ અને કોચિંગ ગ્રુપ માટે યોગદાન આપી શકીશ."
ઓસ્ટ્રેલિયાના મુખ્ય કોચ એન્ડ્ર્યુ મેકડોનાલ્ડે પણ હસીની નિમણૂકનું સ્વાગત કર્યું. તેમણે કહ્યું, "માઈક અમારા કોચિંગ સ્ટાફના અત્યંત સન્માનિત સભ્ય રહ્યા છે. વિવિધ ફોર્મેટ, લીગ અને દેશોમાં ખેલાડી તથા કોચ તરીકેનો તેમનો અનુભવ ટીમ માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. એક વ્યક્તિ અને માર્ગદર્શક તરીકેના તેમના ગુણો પણ ટીમના કામમાં આવશે."
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના નેશનલ ટીમ્સ હેડ બેન ઓલિવરના જણાવ્યા અનુસાર, હસીની મહત્વપૂર્ણ જવાબદારી T20 ફોર્મેટની તૈયારીમાં મદદ કરવાની રહેશે. આગામી 12 મહિનામાં ઓસ્ટ્રેલિયાનું ટેસ્ટ ક્રિકેટ શેડ્યૂલ ઘણું વ્યસ્ત છે. આવી સ્થિતિમાં હસી ટીમ મેનેજમેન્ટ, કોચ અને પસંદગીકારો સાથે મળીને T20ની રણનીતિ તૈયાર કરશે.
ઇંગ્લેન્ડ સામેની આગામી T20 સિરીઝમાં હેડ કોચ એન્ડ્ર્યુ મેકડોનાલ્ડને આરામ આપવામાં આવશે. તેમની જગ્યાએ આસિસ્ટન્ટ કોચ આન્દ્રે બોરોવેક ટીમની જવાબદારી સંભાળશે. હસી પણ તેમની સાથે કામ કરશે. આ સિરીઝમાં ઓસ્ટ્રેલિયાની યુવા ટીમ રમશે.
બેન ઓલિવરે કહ્યું કે હસી ટીમ સાથે સીધું કામ નહીં કરતા હોય ત્યારે પણ 2028ની T20 ટુર્નામેન્ટ્સની યોજના અને તૈયારીમાં જોડાયેલા રહેશે. ઓસ્ટ્રેલિયાની નજર લોસ એન્જલિસ ઓલિમ્પિક્સ અને T20 વર્લ્ડ કપમાં સારા પ્રદર્શન પર છે.