સત્ય. સાહસ. સંકલ્પ.

મિયામી એરપોર્ટ પર કોપા એરલાઇન્સનું વિમાન UPS કાર્ગો પ્લેન સાથે અથડાયું, 2 મુસાફરો ઘાયલ

મિયામી એરપોર્ટ પર કોપા એરલાઇન્સનું વિમાન UPS કાર્ગો પ્લેન સાથે અથડાયું, 2 મુસાફરો ઘાયલ

અમેરિકાના મિયામી એરપોર્ટ પર શનિવારે રાત્રે લગભગ 9:15 વાગ્યે (અમેરિકન સમય મુજબ) બે વિમાનો ટેક્સીવે પર અથડાયા હતા. પનામા સિટીથી આવેલું કોપા એરલાઇન્સનું મુસાફર વિમાન એરપોર્ટ પર આગળ વધી રહ્યું હતું ત્યારે તેની વિંગ UPSના કાર્ગો વિમાનના આગળના ભાગ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં મુસાફર વિમાનમાં સવાર બે લોકોને સામાન્ય ઈજાઓ થઈ હતી. વિમાનમાં 166 મુસાફરો અને 6 ક્રૂ સભ્યો સહિત કુલ 172 લોકો સવાર હતા. તમામને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા.

અકસ્માત બાદ કાર્ગો વિમાનનો આગળનો ભાગ દબાઈ ગયો હતો. ટક્કર સમયે બંને વિમાનો એરપોર્ટના ટેક્સીવે પર ચાલી રહ્યા હતા. UPSનું કાર્ગો વિમાન કોલંબિયાના બોગોટો જવા માટે ઉડાન ભરવાની તૈયારી કરી રહ્યું હતું.

ટક્કર બાદ તરત જ કોપા એરલાઇન્સના પાઇલટે એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ને જણાવ્યું કે 'કોઈએ અમારા વિમાનને ટક્કર મારી છે.' ત્યારબાદ કંટ્રોલ ટાવરે UPSના પાઇલટને પૂછ્યું કે શું તેમના વિમાનની બીજા વિમાન સાથે ટક્કર થઈ હતી. UPSના પાઇલટે જવાબ આપ્યો, 'હા, અમે થોડું આગળ નીકળી ગયા હતા. ત્યારબાદ બીજા વિમાનની વિંગ અમારા વિમાન સાથે અથડાઈ.' થોડા સમય બાદ કોપાના પાઇલટે જણાવ્યું કે તેમના વિમાનની ડાબી વિંગ પણ તૂટેલી લાગે છે.

કોપા એરલાઇન્સના મુસાફર સીઝર ફેરેરાએ CNNને જણાવ્યું કે વિમાન સામાન્ય ઝડપે એરપોર્ટ પર આગળ વધી રહ્યું હતું. ત્યારે અચાનક મુસાફરોના અવાજો તેજ થવા લાગ્યા. ત્યારબાદ લોકોની ચીસો સંભળાઈ અને બીજા વિમાન સાથે ટક્કર થવાનો ઝટકો અનુભવાયો. તેમણે જણાવ્યું કે ટક્કર થતાં જ વિમાન અચાનક એક તરફ ઝટકો ખાઈને વળી ગયું. કેટલાક મુસાફરો ગભરાઈ ગયા, પરંતુ ક્રૂ મેમ્બર્સે તરત જ બધાને પોતાની બેઠકો પર બેઠા રહેવા જણાવ્યું.

કોપા એરલાઇન્સે જણાવ્યું કે વિમાનને ટર્મિનલ સુધી લાવવામાં આવ્યું અને તમામ મુસાફરોને સુરક્ષિત રીતે ઉતારી લેવામાં આવ્યા. બે મુસાફરોને સામાન્ય ઈજાઓ થઈ હતી. બાકીના મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે. કંપનીએ તપાસમાં અધિકારીઓને સહકાર આપવાની વાત કહી છે. UPSએ પણ પોતાના વિમાનના ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત હોવાની પુષ્ટિ કરી છે. કંપનીએ જણાવ્યું કે તે દુર્ઘટનાનું કારણ જાણવા માટે અધિકારીઓ સાથે કામ કરશે. ફ્લાઇટ રડાર તરફથી જાહેર કરાયેલા નકશામાં બંને વિમાનો વચ્ચેની ટક્કર જોઈ શકાય છે.

ઉલ્લેખનીય છે કે મિયામી એરપોર્ટ પર આ ઘટના લગભગ બે મહિના પહેલાં થયેલા એક મોટા અકસ્માત બાદ બની છે. 6 સપ્ટેમ્બરે સાન જુઆન, પ્યુર્ટો રિકોથી આવેલું એમેઝોનનું કાર્ગો વિમાન રનવે પરથી આગળ નીકળી ગયું હતું. વિમાને એરપોર્ટની સીમા તોડીને બે વાહનોને ટક્કર મારી હતી અને તેમાં આગ લાગી ગઈ હતી. અકસ્માતમાં 5 લોકોનાં મોત થયા હતા અને 5 લોકો ઘાયલ થયા હતા. તપાસમાં સામે આવ્યું હતું કે વિમાનના પાઇલટે લેન્ડિંગ અટકાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વિમાન રનવે પરથી આગળ નીકળી ગયું.

આ અથડામણ એવા સમયે થઈ જ્યારે અમેરિકામાં શુક્રવારે એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ખામીના કારણે હજારો ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ હતી. સપ્ટેમ્બર 2001ના આતંકવાદી હુમલા બાદ આ દેશમાં સૌથી લાંબા સમય સુધી ચાલેલું ફ્લાઇટ ગ્રાઉન્ડ સ્ટોપ હોવાનું જણાવાયું છે. અમેરિકાના ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)એ રેડિયો સિસ્ટમમાં ખામી સર્જાયા બાદ દેશભરની ઉડાનો પર રોક લગાવી દીધી હતી. આ જ સિસ્ટમ દ્વારા એર ટ્રાફિક કંટ્રોલર પાઇલટ્સને સૂચનાઓ આપે છે. લગભગ 5 કલાક સુધી ચાલેલી આ અડચણને કારણે શુક્રવારથી 20 હજારથી વધુ ઉડાનો પ્રભાવિત થઈ છે. અધિકારીઓને આશંકા છે કે સરકારી કોન્ટ્રાક્ટર L3Harris દ્વારા લગાવવામાં આવેલા એક રાઉટરમાં ખામી સર્જાવાને કારણે આ સમસ્યા ઊભી થઈ. FAAના પ્રમુખ બ્રાયન બેડફોર્ડે જણાવ્યું કે એરલાઇન્સને આશા છે કે રવિવારના કામકાજના દિવસના અંત સુધીમાં ઉડાનોનું સમયપત્રક ફરી સામાન્ય થઈ જશે.