સત્ય. સાહસ. સંકલ્પ.

મિયામી એરપોર્ટ પર બે વિમાનો વચ્ચે ટક્કર, બે લોકોને સામાન્ય ઈજા

મિયામી એરપોર્ટ પર બે વિમાનો વચ્ચે ટક્કર, બે લોકોને સામાન્ય ઈજા

અમેરિકાના મિયામી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર શનિવાર (14 નવેમ્બર 2026)ની રાત્રે બે વિમાનો વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં UPSનું બોઇંગ 767 કાર્ગો વિમાન અને કોપા એરલાઇન્સનું બોઇંગ 737 પેસેન્જર વિમાન સામેલ હતાં. ટક્કરમાં બે લોકોને સામાન્ય ઈજાઓ થઈ હતી. બંનેને ઘટનાસ્થળે જ સારવાર આપવામાં આવી હતી અને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી નહોતી.

ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)ના જણાવ્યા અનુસાર, જ્યારે બંને વિમાનો રનવે પર આગળ વધી રહ્યાં હતાં ત્યારે કોપા એરલાઇન્સના બોઇંગ 737ની વિંગટિપ (પાંખનો છેડો) UPSના બોઇંગ 767ના આગળના ભાગ એટલે કે નોઝ સાથે અથડાઈ હતી.

એરપોર્ટના કોમ્યુનિકેશન ડિરેક્ટર ગ્રેગ ચિને CNNને જણાવ્યું હતું કે આ ટક્કર રાત્રે લગભગ 9:15 વાગ્યે થઈ હતી, જેમાં બે લોકો ઘાયલ થયા હતા.

કોપા એરલાઇન્સના મુસાફર સીઝર ફરેરાએ CNNને જણાવ્યું હતું કે, "લેન્ડિંગ બાદ અમે સામાન્ય ગતિએ ટેક્સી કરી રહ્યા હતા. અચાનક મને આસપાસના લોકોનો અવાજ મોટો થતો સંભળાયો. ત્યારબાદ બધા એકસાથે બૂમો પાડવા લાગ્યા અને એ જ સમયે બીજા વિમાને અમારા વિમાનને ટક્કર મારી હતી."

તેમણે વધુમાં જણાવ્યું કે વિમાનની અંદર મુસાફરોને અચાનક એક તરફ જોરદાર ઝટકો લાગ્યો હોવાનો અનુભવ થયો હતો. શરૂઆતમાં કેટલાક મુસાફરો ગભરાઈ ગયા હતા, પરંતુ વિમાનના ક્રૂ મેમ્બર્સે તાત્કાલિક કાર્યવાહી કરીને તમામ મુસાફરોને પોતાની સીટ પર બેસી રહેવા જણાવ્યું હતું.

FAAના જણાવ્યા અનુસાર, એર ટ્રાફિક કંટ્રોલર્સે UPSના ક્રૂને કોપા એરલાઇન્સના વિમાનને રસ્તો આપવા સૂચના આપી હતી. હાલ આ ટક્કર કેવી રીતે થઈ તેની તપાસ કરવામાં આવી રહી છે.

UPSએ જણાવ્યું હતું કે આ ઘટના પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે તેઓ સંબંધિત અધિકારીઓ સાથે મળીને કામ કરી રહ્યા છે.

બીજી તરફ, કોપા એરલાઇન્સે નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે, "આ ઘટનાને કારણે અમારા મુસાફરોને જે અસુવિધા થઈ છે તેના માટે અમે દિલગીર છીએ. અમારા મુસાફરો અને ક્રૂની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. અમે તપાસ કરી રહેલા અધિકારીઓને સંપૂર્ણ સહયોગ આપીશું."

આ ઘટના એવા સમયે બની છે જ્યારે દેશભરના યુએસના એરપોર્ટ્સ સામાન્ય ફ્લાઇટ કામગીરી ફરી શરૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.