સત્ય. સાહસ. સંકલ્પ.

મનરેગા બદલાયું: હવે વર્ષમાં 125 દિવસ કામની ગેરંટી, વન અધિકાર ધારકો માટે મૂંઝવણ

મનરેગા બદલાયું: હવે વર્ષમાં 125 દિવસ કામની ગેરંટી, વન અધિકાર ધારકો માટે મૂંઝવણ

ગામડામાં મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા લાખો શ્રમજીવી પરિવારો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારે ગ્રામીણ રોજગારીની યોજનામાં એક મહત્વનો ફેરફાર કર્યો છે. હવે મનરેગા (MNREGA)ની જગ્યાએ નવો કાયદો લાગુ થશે, જે હેઠળ લાયકાત ધરાવતા ગ્રામીણ પરિવારોને વર્ષમાં 100 દિવસના બદલે 125 દિવસના રોજગારની ખાતરી મળશે.

સરકારે જાહેર કર્યું છે કે, 'વિકાસ ભારત-રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ) અધિનિયમ, 2025' નામનો નવો કાયદો 1 જુલાઈ, 2026 થી દેશભરમાં અમલમાં આવશે. આ કાયદાની કલમ 5 હેઠળ દરેક લાયકાત ધરાવતા ગ્રામીણ પરિવારને એક નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા 125 દિવસનું અવેતન કામ આપવામાં આવશે. આનાથી ગામડાના ગરીબ પરિવારોની આર્થિક સ્થિતિમાં સુધારો થવાની આશા છે.

જોકે, આ નવા કાયદાએ જંગલ વિસ્તારોમાં રહેતા આદિવાસી પરિવારો માટે એક નવો પ્રશ્ન ઊભો કર્યો છે. જાન્યુઆરી 2014માં કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલયે એક આદેશ બહાર પાડ્યો હતો, જે મુજબ વન અધિકાર અધિનિયમ (FRA) હેઠળ જમીન મેળવનાર અનુસૂચિત જનજાતિના પાત્ર પરિવારોને મનરેગાના 100 દિવસ ઉપરાંત વધારાના 50 દિવસનું વેતન સાથેનું કામ આપવામાં આવતું હતું. આ સુવિધા ફક્ત તે જ પરિવારો માટે હતી જેમની પાસે વન અધિકાર કાયદા હેઠળ મળેલી જમીન સિવાય બીજી કોઈ ખાનગી માલિકીની જમીન ન હતી. આમ, આ પરિવારોને વર્ષમાં કુલ 150 દિવસ કામ મળતું હતું.

હવે નવા કાયદામાં આ વધારાના 50 દિવસના રોજગારનો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી. કાયદાની કોઈ પણ કલમમાં વન અધિકાર ધારકો માટે અલગ જોગવાઈ જોવા મળતી નથી. જોકે, સરકાર તરફથી હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી. આથી આ પરિવારોમાં ચિંતા છે કે, નવો કાયદો અમલમાં આવ્યા પછી શું તેમને પહેલાની જેમ વધારાના 50 દિવસનું કામ મળશે કે નહીં. આ પ્રશ્નનો ઉત્તર સરકારની આગામી માર્ગદર્શિકા પર આધારિત રહેશે.