સત્ય. સાહસ. સંકલ્પ.

મેટાએ પર્સનલ AI એજન્ટ 'મ્યુઝ' લોન્ચ કર્યો, શોપિંગથી લઈને પેમેન્ટ સુધી મદદ કરશે

મેટાએ પર્સનલ AI એજન્ટ 'મ્યુઝ' લોન્ચ કર્યો, શોપિંગથી લઈને પેમેન્ટ સુધી મદદ કરશે

ન્યૂયોર્કઃ મેટાએ મંગળવારે 18 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકો માટે પર્સનલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એજન્ટ 'મ્યુઝ' લોન્ચ કર્યો છે. આ એજન્ટ રોજિંદા કામોમાં મદદ કરશે, જેમ કે શેડ્યૂલ બનાવવું, ખરીદી કરવી, ઈમેલ મોકલવા અને મુસાફરી બુક કરવી. હાલમાં તે ફક્ત અમેરિકામાં ઉપલબ્ધ છે.

મેટા અનુસાર, મ્યુઝ લાંબા ગાળાના લક્ષ્યોને એક્શન પ્લાનમાં પણ બદલી શકે છે, જેમ કે આખા વર્ષનો એક્સરસાઇઝ પ્લાન બનાવવો અથવા નવો બિઝનેસ શરૂ કરવાની યોજના.

મ્યુઝની કાર્યપ્રણાલીમાં સુરક્ષા અને ગોપનીયતાને ખાસ ધ્યાનમાં રાખવામાં આવી છે. એજન્ટ એક સુરક્ષિત વર્ચ્યુઅલ મશીન પર ચાલે છે, જેમાં એજન્ટ અને યુઝર બંનેનો ડેટા સુરક્ષિત રહે છે.

યુઝર મ્યુઝ સાથે અલગ એપ દ્વારા અથવા વોટ્સએપ દ્વારા વાત કરી શકે છે. જ્યારે યુઝર પોતાનો ટાર્ગેટ શેર કરશે, ત્યારે તે પર્સનલાઇઝ્ડ પ્લાન બનાવવામાં મદદ કરશે અને યુઝરના સમય અને સંસાધનોને વ્યવસ્થિત કરીને કામ આગળ વધારશે. તે બ્રાઉઝર ખોલીને ફોર્મ ભરી શકે છે અને યુઝર વતી નેગોશિયેશન પણ કરી શકે છે.

ટેક કંપનીઓ AI એજન્ટ્સને ચેટબોટ્સ પછીની આગામી ટેકનોલોજી માની રહી છે. ચેટબોટ માત્ર પ્રશ્નોના જવાબ આપી શકે છે અને માહિતી શોધી શકે છે, પરંતુ તે યુઝર વતી કામ કરતા નથી. AI એજન્ટ પરંપરાગત કમ્પ્યુટર પ્રોગ્રામની જેમ કાર્ય કરે છે, અને જ્યારે તેને લાર્જ લેંગ્વેજ મોડેલ સાથે જોડવામાં આવે છે, ત્યારે તે દરેક પગલાની સૂચના વિના જરૂરી માહિતી શોધી કામ પૂર્ણ કરી શકે છે.

મેટાના CEO માર્ક ઝકરબર્ગના AI વિઝનનો આ એજન્ટ એક ભાગ છે. ગયા મહિને તેમણે ઓનલાઈન પ્રકાશિત 6,500 શબ્દોના નિબંધમાં જણાવ્યું હતું કે AI સુપરઇન્ટેલિજન્સ દરેક વ્યક્તિ માટે ઉપલબ્ધ હોવી જોઈએ. તેમણે લખ્યું, 'દરેક વ્યક્તિ પાસે એક અત્યંત સક્ષમ પર્સનલ એજન્ટ હશે, જે તમને અને તમારા લક્ષ્યોને સમજશે. તે 24 કલાક, સાતેય દિવસ તમારી વતી કામ કરશે.' વિવેચકોએ આ દસ્તાવેજને કલ્પનાઓથી ભરેલો ગણાવ્યો છે.