સત્ય. સાહસ. સંકલ્પ.

ઇન્સ્ટાગ્રામ પર હવે અશ્લીલ અને નિમ્ન કક્ષાનું કન્ટેન્ટ નહીં દેખાય, મેટાએ એલ્ગોરિધમ બદલ્યું

ઇન્સ્ટાગ્રામ પર હવે અશ્લીલ અને નિમ્ન કક્ષાનું કન્ટેન્ટ નહીં દેખાય, મેટાએ એલ્ગોરિધમ બદલ્યું

મેટાએ ઇન્સ્ટાગ્રામ પર યુઝર્સને કઈ પોસ્ટ અને વીડિયો દેખાશે તે નક્કી કરતી રિકમેન્ડેશન સિસ્ટમમાં ફેરફાર કર્યો છે. કંપનીએ જણાવ્યું કે હવે અપમાનજનક, સંવેદનશીલ અથવા ઓછી ગુણવત્તાવાળા કન્ટેન્ટને ભલામણોમાંથી દૂર રાખવામાં આવશે. આ ફેરફારની અસર ઇન્સ્ટાગ્રામના એક્સપ્લોર, રીલ્સ અને ફીડમાં દેખાતી ભલામણો પર પડશે.

મેટાના જણાવ્યા અનુસાર, ઇન્સ્ટાગ્રામ એવા એકાઉન્ટનું કન્ટેન્ટ બતાવે છે જેને યુઝર્સ ફોલો કરતા નથી. આ માટે કંપની યુઝર્સની પસંદ, તેમની પ્રવૃત્તિ અને અગાઉ જોયેલા કન્ટેન્ટને ધ્યાનમાં લે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ યુઝર હોટેલ કે પુસ્તક સાથે જોડાયેલી પોસ્ટ જુએ છે તો તેને ખાણી-પીણી, રેસીપી અને પુસ્તકો સાથે જોડાયેલો કન્ટેન્ટ વધારે બતાવવામાં આવી શકે છે.

કંપનીએ જણાવ્યું કે તે પોતાની રિકમેન્ડેશન સિસ્ટમ માટે અમુક ખાસ નિયમોનો ઉપયોગ કરે છે. આ નિયમોનો હેતુ એવા કન્ટેન્ટને ભલામણોમાં આવવાથી રોકવાનો છે જે ઓછી ગુણવત્તાવાળો, આપત્તિજનક કે વધુ સંવેદનશીલ હોય. આ માટે મેટા ટેકનોલોજીની મદદથી આ નિયમોનું પાલન ન કરતા કન્ટેન્ટ અને એકાઉન્ટની ઓળખ કરે છે. આ બદલાવની અસર ખાસ કરીને યુઝર્સને નવા એકાઉન્ટ અને કન્ટેન્ટ શોધવામાં મદદ કરતા ઇન્સ્ટાગ્રામ એક્સપ્લોર, રીલ્સ અને ફીડ પર પડશે.

ઉલ્લેખનીય છે કે ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય (MeitY) એ 10 ઓક્ટોબરે એડવાઇઝરી જાહેર કરીને મેટાને પોતાના કન્ટેન્ટ રિકમેન્ડેશન અને રેન્કિંગ સિસ્ટમની સમીક્ષા કરવા કહ્યું હતું. સોશિયલ મીડિયાનો એલ્ગોરિધમ ખોટી અને ભ્રામક માહિતી સાથે આપત્તિજનક કન્ટેન્ટને પણ મોટા પ્રમાણમાં લોકો સુધી પહોંચાડી શકે છે તેની સરકારને ચિંતા હતી. આ બાદ મેટાએ ભારતમાં ઇન્સ્ટાગ્રામની સિસ્ટમ સુધારવા માટે AI આધારિત ટેકનોલોજીનો ઉપયોગ વધાર્યો છે. જોકે, કંપનીએ આ ફેરબદલને સીધો સરકારી એડવાઇઝરીનું પરિણામ નથી ગણાવ્યું.