સત્ય. સાહસ. સંકલ્પ.

મેટા ફ્રાન્સમાં સ્વૈચ્છિક એક્ઝિટ: 80% પગાર સાથે નોકરી છોડવાની ઓફર

મેટા ફ્રાન્સમાં સ્વૈચ્છિક એક્ઝિટ: 80% પગાર સાથે નોકરી છોડવાની ઓફર

ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ચલાવતી કંપની મેટાએ ફ્રાન્સમાં તેના કર્મચારીઓને સ્વૈચ્છિક નોકરી છોડવાની ઓફર કરી છે. ફ્રેન્ચ મીડિયા લા લેટ્રેના અહેવાલ મુજબ, આ ઓફર હેઠળ કર્મચારીઓને 80% પગાર અને અન્ય લાભો આપવામાં આવશે.

મેટાની ફ્રાન્સ ઓફિસમાં હાલમાં લગભગ 300 કર્મચારીઓ કાર્યરત છે. અહેવાલ મુજબ, આ સ્વૈચ્છિક એક્ઝિટ પ્રોગ્રામની અસર આશરે 100 કર્મચારીઓ પર પડી શકે છે, જે કુલ વર્કફોર્સના એક-તૃતીયાંશ હિસ્સા જેટલી છે. જોકે, મેટા તરફથી સત્તાવાર રીતે અસરગ્રસ્ત કર્મચારીઓની સંખ્યા જાહેર કરવામાં આવી નથી, અને કયા વિભાગો કે જોબ રોલ્સ આ યોજનામાં સામેલ છે તે પણ સ્પષ્ટ નથી.

મેટાનો આ પ્લાન ફ્રાન્સના શ્રમ કાયદાની વિશેષ જોગવાઈ 'રુપ્ચર કન્વેન્શનલ કલેક્ટિવ' (RCC) પર આધારિત છે. આ કાયદા હેઠળ કંપનીઓ ટ્રેડ યુનિયનો અને કર્મચારી પ્રતિનિધિઓ સાથે સ્વૈચ્છિક નોકરી છોડવાની શરતો પર વાટાઘાટ કરે છે. શરતો પર સંમતિ બન્યા બાદ કર્મચારીઓ સ્વૈચ્છિક રાજીનામા માટે અરજી કરી શકે છે. આ પ્રક્રિયા ફરજિયાત છટણીથી અલગ છે. ઇચ્છુક કર્મચારીઓએ 5 નવેમ્બર સુધીમાં અરજી જમા કરાવવાની રહેશે.

મેટા દ્વારા આપવામાં આવતું સેવેન્સ પેકેજ ટેક ઉદ્યોગમાં સૌથી આકર્ષક માનવામાં આવે છે. જે કર્મચારીઓ સ્વૈચ્છિક રીતે નોકરી છોડવાનું પસંદ કરશે, તેમને કંપનીમાં વિતાવેલા દરેક વર્ષના સેવાકાળ માટે 2.15 મહિનાનો પગાર મળશે. ઉદાહરણ તરીકે, 5 વર્ષ કામ કરનાર કર્મચારીને 10.75 મહિનાના પગાર જેટલું વળતર મળશે. આ સમયગાળા દરમિયાન તેમને કુલ પગારના 80% હિસ્સો આપવામાં આવશે.

મેટા કર્મચારીઓને માત્ર આર્થિક મદદ જ નહીં, પરંતુ નવી કારકિર્દી માટે પુનઃપ્રશિક્ષણ અને નવો વ્યવસાય શરૂ કરવા માટે માર્ગદર્શન અને સહાય પણ પૂરી પાડશે. આ કારણસર આ પેકેજને ટેક ઉદ્યોગની સૌથી ઉદાર ઓફર ગણવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, વૈશ્વિક સ્તરે ટેક ક્ષેત્રમાં મંદી અને AI પર વધતા ફોકસ વચ્ચે ગૂગલ અને માઇક્રોસોફ્ટ જેવી કંપનીઓ પણ આ પ્રકારના સ્વૈચ્છિક એક્ઝિટ પ્લાન ઓફર કરી ચૂકી છે. મેટાએ છેલ્લા બે વર્ષમાં હજારો કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે.