સત્ય. સાહસ. સંકલ્પ.

ફૂટબોલ ઈતિહાસમાં પહેલીવાર એક ટીમમાં રમશે રોનાલ્ડો-મેસી? તેવેઝની ફેરવેલ મેચમાં સાથે રમવાની શક્યતા

ફૂટબોલ ઈતિહાસમાં પહેલીવાર એક ટીમમાં રમશે રોનાલ્ડો-મેસી? તેવેઝની ફેરવેલ મેચમાં સાથે રમવાની શક્યતા

પોર્ટુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને આર્જેન્ટિનાના લિયોનેલ મેસી — ફૂટબોલ જગતના બે મહાન ખેલાડીઓ. લગભગ દોઢ દાયકાથી તેમની વચ્ચેની હરીફાઈએ વિશ્વ ફૂટબોલને એક નવી દિશા આપી છે, ખાસ કરીને સ્પેનની લા લીગામાં, જ્યાં રોનાલ્ડો રિયલ મેડ્રિડ તરફથી અને મેસી બાર્સિલોના તરફથી રમતા હતા. પરંતુ હવે એવી શક્યતા છે કે ઈતિહાસમાં પ્રથમ વખત આ બંને દિગ્ગજ એક જ ટીમ માટે રમતા જોવા મળે. આ સંભવિત ઘટનાની યોજના તેમના પૂર્વ સાથી ખેલાડી કાર્લોસ તેવેઝે બનાવી છે.

અર્જેન્ટિનાના ભૂતપૂર્વ સ્ટ્રાઈકર તેવેઝે પોતાની ફેરવેલ મેચ આયોજિત કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. અહેવાલો અનુસાર, તેવેઝે બોકા જુનિયર્સના પ્રમુખ જુઆન રોમન રિકેલ્મે સાથે બ્યુનોસ આયર્સ સ્થિત 'લા બોમ્બોનેરા' સ્ટેડિયમમાં આ મેચ યોજવા અંગે ચર્ચા કરી છે, અને રિકેલ્મેએ સૈદ્ધાંતિક સંમતિ આપી દીધી છે. આ મેચમાં મેસી અને રોનાલ્ડોને એક જ ટીમમાં રમાડવાનો તેવેઝનો પ્રયાસ છે.

એ નોંધપાત્ર છે કે આંતરરાષ્ટ્રીય અને ક્લબ સ્તરે આ બંને ખેલાડીઓ અત્યાર સુધી 37 વખત સામસામે રમ્યા છે, પરંતુ ક્યારેય એક જ ટીમ માટે સાથે મેદાન પર ઉતર્યા નથી. બંનેએ મળીને 13 બેલોન ડી'ઓર એવોર્ડ જીત્યા છે. જો આ યોજના સફળ રહે છે, તો ફૂટબોલ ઈતિહાસમાં આ એક અભૂતપૂર્વ ક્ષણ હશે.

તેવેઝે પોતાની કારકિર્દી બોકા જુનિયર્સથી શરૂ કરી હતી અને 2021માં નિવૃત્તિ લીધી હતી. હવે તે પોતાની વિદાયી મેચ રમવા માંગે છે. તેવેઝ મેસી અને રોનાલ્ડો બંનેના સારા મિત્ર છે. તે મેસી સાથે આર્જેન્ટિનાની રાષ્ટ્રીય ટીમમાં અને રોનાલ્ડો સાથે માન્ચેસ્ટર યુનાઈટેડમાં ડ્રેસિંગ રૂમ શેર કરી ચૂક્યા છે. એક ઈન્ટરવ્યુમાં તેવેઝે કહ્યું હતું કે તે વોટ્સએપ પર બંને ખેલાડીઓના સંપર્કમાં છે અને 'અમે તેમને એકસાથે લાવીશું'.

મેચ ક્યારે રમાશે તે અંગે હજુ સત્તાવાર જાહેરાત થઈ નથી, પરંતુ શક્યતા છે કે તે આ વર્ષે ડિસેમ્બરમાં રમાય, જેથી બોકા જુનિયર્સની રમતોના સમયપત્રક પર અસર ન પડે. બોકા જુનિયર્સના અધિકારીઓ હાલ મેચની તારીખ નક્કી કરવામાં વ્યસ્ત છે.