સત્ય. સાહસ. સંકલ્પ.

લિયોનેલ મેસ્સીને સ્પેનનો પ્રિન્સેસ ઑફ ઑસ્ટુરિયાસ એવોર્ડ એનાયત

લિયોનેલ મેસ્સીને સ્પેનનો પ્રિન્સેસ ઑફ ઑસ્ટુરિયાસ એવોર્ડ એનાયત

વિખ્યાત ફૂટબોલ ખેલાડી લિયોનેલ મેસ્સીને સ્પેનના સૌથી પ્રતિષ્ઠિત રમતગમત પુરસ્કાર 'પ્રિન્સેસ ઑફ ઑસ્ટુરિયાસ'થી સન્માનિત કરવામાં આવ્યા છે. સ્પેનની રાજકુમારી લિયોનોરે તેમને આ એવોર્ડ એનાયત કર્યો. રાજકુમારી લિયોનોર સ્પેનના સિંહાસનની વારસદાર છે અને તેમના નામે આ પુરસ્કારો આપવામાં આવે છે.

અર્જેન્ટિનાના 39 વર્ષીય ફોરવર્ડ મેસ્સીને જૂન મહિનામાં આ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા હતા. જ્યુરીએ તેમની શાનદાર કારકિર્દી તેમજ વંચિત બાળકોના આરોગ્ય અને શિક્ષણમાં કરેલા યોગદાન બદલ આ સન્માન આપ્યું છે.

આ સમારોહમાં બ્રિટિશ લેખક જુલિયન બાર્ન્સ, અમેરિકન અવકાશયાત્રી ક્રિસ્ટિના કોચ અને પંક સ્ટાર પેટી સ્મિથ સહિત અન્ય વિજેતાઓને પણ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

મેસ્સી તેમની પત્ની એન્ટોનેલા રોકુઝો સાથે એવોર્ડ લેવા પહોંચ્યા હતા. સમારોહમાં અર્જેન્ટિનાના ચાહકો દેશની ફૂટબોલ જર્સી પહેરીને પહોંચ્યા હતા અને મેસ્સીના આગમન પર તેમના નામના નારા લગાવ્યા હતા. સમારોહમાં બેગપાઇપ અને ડ્રમ વગાડવામાં આવ્યા હતા.

મેસ્સીને પુરસ્કાર સાથે પાર્ચમેન્ટ પર લખાયેલું ઔપચારિક પ્રમાણપત્ર આપવામાં આવ્યું. રાજકુમારી લિયોનોરે તેમની અનોખી કારકિર્દીની પ્રશંસા કરતાં કહ્યું, 'મેસ્સીએ રમતને સમજીને અને એક સેકન્ડના નાના અંશમાં સૌથી અસરકારક વિકલ્પ પસંદ કરીને અસાધારણને સામાન્ય બનાવી દીધું. તેમણે પોતાના અહંકારથી ઉપર ટીમભાવનાને સ્થાન આપ્યું.'

મેસ્સીને ફૂટબોલના ઇતિહાસના મહાનતમ ખેલાડીઓમાંના એક ગણવામાં આવે છે. તેમણે આઠ બેલોન ડી'ઓર ખિતાબ, એક વર્લ્ડ કપ અને ક્લબ સ્તરે ડઝનેક ટ્રોફી જીતી છે. મેસ્સી આર્જેન્ટિનાના સૌથી વધુ ગોલ કરનાર, સૌથી વધુ અસિસ્ટ આપનાર અને સૌથી વધુ મેચ રમનાર ખેલાડી છે.

તેમણે આ વર્ષની શરૂઆતમાં આંતરરાષ્ટ્રીય ફૂટબોલ કારકિર્દીને બ્રેક આપ્યો હતો. ન્યૂ જર્સીમાં સ્પેન સામે વર્લ્ડ કપની ફાઇનલ હાર્યા બાદ તેમણે આ નિર્ણય લીધો હતો અને 31 ઑગસ્ટે સોશિયલ પોસ્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.

પ્રિન્સેસ ઑફ ઑસ્ટુરિયાસ એવોર્ડ્સની શરૂઆત 1981માં થઈ હતી. આ પુરસ્કાર સ્પેનિશ ભાષી દુનિયાના સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કારોમાં ગણાય છે. આમાં 50 હજાર યુરો એટલે કે 56 હજાર ડૉલરની રકમ આપવામાં આવે છે. પુરસ્કારો કલા, વિજ્ઞાન અને રમતગમત સહિત અનેક ક્ષેત્રોમાં આપવામાં આવે છે. રમતગમતનો પુરસ્કાર જીતનારાઓમાં ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સ અને રાફેલ નડાલનો સમાવેશ થાય છે. મેરેથોનના રેકોર્ડધારી એલિયુડ કિપચોગે અને અમેરિકન સ્કી ખેલાડી લિન્ડસે વૉન પણ તેના અગાઉના વિજેતા રહી ચૂક્યા છે.