સત્ય. સાહસ. સંકલ્પ.

મેસીનો 100મો ગોલ: ઇન્ટર મિયામીએ પ્રથમ વખત કેમ્પિયોનેસ કપ જીત્યો

મેસીનો 100મો ગોલ: ઇન્ટર મિયામીએ પ્રથમ વખત કેમ્પિયોનેસ કપ જીત્યો

લિયોનેલ મેસીએ બુધવારે મિયામીના ન્યૂ સ્ટેડિયમમાં ઇન્ટર મિયામી માટે તેનો 100મો ગોલ કર્યો. ક્રુઝ એઝુલ સામેની કેમ્પિયોનેસ કપ ફાઇનલમાં 24મી મિનિટે હેડરથી કરેલા આ ગોલની મદદથી ઇન્ટર મિયામીએ 2-0થી મેચ જીતીને પ્રથમ વખત ખિતાબ પોતાના નામે કર્યો.

મેસીએ 24મી મિનિટે લુઈસ સુઆરેઝના ક્રોસ પર હેડરથી ગોલ કર્યો. ઇન્ટર મિયામી માટે તમામ સ્પર્ધાઓમાં 115 મેચોમાં તેનો આ 100મો ગોલ હતો. ખાસ વાત એ રહી કે મેસીએ મિયામી માટે પહેલો ગોલ પણ ક્રુઝ એઝુલ સામે જ કર્યો હતો. જુલાઈ 2023માં ડેબ્યૂ મેચમાં તેણે ઇન્જરી ટાઈમમાં ફ્રી-કિકથી ગોલ કરીને ટીમને 2-1થી જીત અપાવી હતી.

81મી મિનિટે મેસીની કોર્નર કિક પર કાસેમિરોએ હેડરથી ગોલ કરીને મિયામીની લીડ 2-0 કરી. કાસેમિરોએ છેલ્લી પાંચ મેચમાં ચાર ગોલ કર્યા છે અને તેના બધા ગોલ હેડરથી જ આવ્યા છે.

મેસી ઇન્ટર મિયામી સાથે જોડાયા પછી ટીમે ચાર ટ્રોફી જીતી છે. મિયામીએ 2023માં લીગ્સ કપ, 2024માં સપોર્ટર્સ શીલ્ડ, 2025માં MLS કપ અને હવે 2026માં કેમ્પિયોનેસ કપ પોતાના નામે કર્યો છે.

કેમ્પિયોનેસ કપમાં પાછલી સીઝનના MLS કપ વિજેતા અને મેક્સિકોની કેમ્પિયન ડી કેમ્પિયોનેસ વિજેતા ટીમ વચ્ચે મુકાબલો થાય છે. આ આ ટૂર્નામેન્ટનું આઠમું સંસ્કરણ હતું. મિયામીની જીત પહેલાં પાછલા ત્રણેય સંસ્કરણોમાં મેક્સિકોની ટીમોએ ખિતાબ જીત્યો હતો. ક્રુઝ એઝુલ અત્યાર સુધી આ કપ જીતી શકી નથી અને 2021ની ફાઇનલમાં પણ હારી ગઈ હતી.