ગુજરાતી સિનેમાની યાદગાર ફિલ્મોમાં ગણાતી 'મેરુ માલણ' 40 વર્ષ પછી ફરી સિનેમાઘરોમાં આવી રહી છે. નરેશ કનોડિયા અને સ્નેહલતાની મુખ્ય ભૂમિકા ધરાવતી આ ફિલ્મ 6 નવેમ્બર 2026થી, એટલે કે દિવાળી પર્વ પર રિલીઝ થશે.
આ જાહેરાત દિવંગત અભિનેતા નરેશ કનોડિયાના પુત્ર, પૂર્વ ધારાસભ્ય અને અભિનેતા હિતુ કનોડિયા તથા તેમના પત્ની અને અભિનેત્રી મોના થીબાએ કરી છે. તેમણે ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરીને આ સમાચાર આપ્યા.
વીડિયોમાં તેમણે ફિલ્મના જાણીતા ગીતો — 'જાગ રે માલણ જાગ', 'ઓઢણી ઓઢું ઓઢું ને ઊડી જાય' અને 'તું મારો મેરુ, હું તારી માલણ' — ગાઈને શરૂઆત કરી હતી. તેમણે કહ્યું કે આ ફિલ્મનું તે સમયનું બોક્સ ઓફિસ કલેક્શન આજના માપદંડ પ્રમાણે ગણીએ તો 100 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ ગણાય.
મોના થીબાએ જણાવ્યું કે આવી ફિલ્મો દર્શકોના દિલમાં કાયમ વસી જાય છે અને ભૂલાતી નથી.
1985માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં નરેશ કનોડિયા, સ્નેહલતા, ફિરોઝ ઈરાની અને રમેશ મહેતાએ મહત્ત્વની ભૂમિકાઓ ભજવી હતી. હિતુ કનોડિયાએ આ ફિલ્મમાં બાળ કલાકાર તરીકે ભૂમિકા કરી હતી. ફિરોઝ ઈરાની પીઢ અભિનેત્રી અરુણા ઈરાનીના ભાઈ છે.
ફિલ્મનું દિગ્દર્શન મેહુલ કુમારે કર્યું હતું, જ્યારે કાંતિ અશોકે લખેલા ગીતોને મહેશ-નરેશની જોડીએ લોકપ્રિય બનાવ્યાં હતાં. 'ઓઢણી ઓઢું ઓઢું ને ઊડી જાય' ગીત અલ્કા યાજ્ઞિક અને પ્રફુલ દવેએ ગાયું હતું.