ઇટાલીના વડાપ્રધાન જોર્જિયા મેલોનીએ 4 સપ્ટેમ્બરના રોજ દેશના યુદ્ધ પછીના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી સતત વડાપ્રધાન પદ પર રહેવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ સિદ્ધિ પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર અભિનંદન પાઠવ્યા હતા.
વડાપ્રધાન મોદીએ લખ્યું, "મારી મિત્ર વડાપ્રધાન મેલોનીને ઇટાલીના યુદ્ધોત્તર ઇતિહાસમાં સૌથી લાંબો સમય સતત સેવા આપનાર વડાપ્રધાન બનવા બદલ હાર્દિક અભિનંદન. આ રેકોર્ડ તેમના નેતૃત્વમાં ઇટાલીની જનતાના વિશ્વાસ અને ભરોસાને દર્શાવે છે."
મોદીના સંદેશનો જવાબ આપતા મેલોનીએ આભાર વ્યક્ત કર્યો અને જણાવ્યું કે ભારત-ઇટાલી સંબંધો પહેલા કરતાં વધુ મજબૂત છે. તેમણે ઉમેર્યું કે બંને દેશો વચ્ચેની ખાસ વ્યૂહાત્મક ભાગીદારી આ સંબંધોની મહત્ત્વતા દર્શાવે છે. તેઓ 'ઇન્ડિયા-મિડિલ ઇસ્ટ-યુરોપ ઇકોનોમિક કોરિડોર' વિકસાવવા માટે સંયુક્ત રીતે કામ કરતા રહેશે.
મેલોનીએ 22 ઓક્ટોબર 2022ના રોજ ઇટાલીના પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. તેમણે 1,413 દિવસ પૂરા કરી પૂર્વ વડાપ્રધાન સિલ્વિયો બરુસ્કોનીનો રેકોર્ડ તોડ્યો છે. આ અવસરે મેલોનીએ કહ્યું કે છેલ્લા ચાર વર્ષમાં તેમની સરકારે રોજગારી વધારવા, બેરોજગારી ઘટાડવા અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઇટાલીની છબી સુધારવા કામ કર્યું છે.
મેલોનીની રાજકીય સફર 15 વર્ષની ઉંમરે યુવા આંદોલનના સભ્ય તરીકે શરૂ થઈ હતી. 21 વર્ષની ઉંમરે તેઓ રોમની પરિષદમાં ચૂંટાયા હતા. બંને દેશો વચ્ચેનો સહયોગ અને બંને નેતાઓ વચ્ચેના સંબંધો વૈશ્વિક મંચ પર ભારત-ઇટાલી ભાગીદારીને નવી ઊંચાઈએ લઈ જઈ રહ્યા છે.