સત્ય. સાહસ. સંકલ્પ.

મેલોનીનો રેકોર્ડ: ઇટાલીના સૌથી લાંબા સમયના વડાપ્રધાન બન્યા, મોદીએ અભિનંદન પાઠવ્યા

મેલોનીનો રેકોર્ડ: ઇટાલીના સૌથી લાંબા સમયના વડાપ્રધાન બન્યા, મોદીએ અભિનંદન પાઠવ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીને સૌથી લાંબા સમય સુધી સતત વડાપ્રધાન રહેવા બદલ અભિનંદન પાઠવ્યા છે. મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં મેલોનીને પોતાના મિત્ર ગણાવતા જણાવ્યું કે તેમની આ સિદ્ધિ ઇટાલીના લોકોના તેમના નેતૃત્વ પરના ભરોસાને દર્શાવે છે. તેમણે ઉમેર્યું કે મેલોનીની મિત્રતા ભારત અને ઇટાલી વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવામાં મહત્વપૂર્ણ રહી છે.

જ્યોર્જિયા મેલોનીની સરકારે શુક્રવારે સતત 1,413 દિવસ સત્તામાં રહીને ઇટાલીમાં નવો રેકોર્ડ બનાવ્યો. 1946માં ઇટાલી ગણરાજ્ય બન્યા પછી આ કોઈ એક કેબિનેટનો સૌથી લાંબો સતત કાર્યકાળ છે. મેલોનીએ પૂર્વ વડાપ્રધાન સિલ્વિયો બર્લુસ્કોનીની બીજી સરકારનો રેકોર્ડ તોડ્યો છે, જે 2001થી 2005 સુધી 1,412 દિવસ સત્તામાં રહી હતી.

મેલોની 22 ઓક્ટોબર 2022ના રોજ ઇટાલીના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા હતા અને તે જમણેરી પક્ષ 'બ્રધર્સ ઓફ ઇટાલી'ના પ્રમુખ છે. ઇટાલીમાં સરકારો સરેરાશ 13 મહિના જ ચાલે છે, પરંતુ મેલોનીની ગઠબંધન સરકાર લગભગ ચાર વર્ષ સુધી ટકી છે, જે મોટી સિદ્ધિ માનવામાં આવે છે.

તેમની પાર્ટી શુક્રવારે સાંજે દક્ષિણી શહેર બારીમાં રેલી યોજશે, જેમાં મેલોની ભાષણ આપશે. જોકે, વિવેચકોનું કહેવું છે કે મેલોની સરકારે લાંબા સમય સુધી સત્તામાં રહેવાને જ પોતાની સિદ્ધિ બનાવી લીધી છે.

અગાઉ, મે 2026માં પીએમ મોદી ઇટાલીના પ્રવાસે ગયા હતા, જે દરમિયાન તેમણે મેલોનીને મેલોડી ટોફી ભેટ આપી હતી. મેલોનીએ તેનો વીડિયો શેર કરીને આભાર માન્યો હતો, અને #Melodi ટ્રેન્ડ થયો હતો.