મહેસાણાની મોઢેરા ચોકડી નજીક આવેલા હબ ટાઉન સંકુલમાં 27 સપ્ટેમ્બરની મોડી રાત્રે એક યુવક ચોથા માળે ચઢી ગયો હતો અને આત્મહત્યાની ધમકી આપતા ભારે અફડાતફડી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર વિભાગની ટીમોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી યુવકને સમજાવીને સલામત રીતે નીચે ઉતાર્યો હતો.
ગઈકાલે રાત્રે આશરે 9:47 વાગ્યે મહેસાણા શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળની નાગલપુર પોલીસ ચોકીની 112 નંબરની પીસીઆર વાનને એક વર્ધી મળી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, મોઢેરા ચોકડી નજીક આવેલા હબ ટાઉન બ્લોક નં.-Jના ચોથા માળે આશરે 25 વર્ષનો એક અજાણ્યો યુવક ચઢી ગયો છે અને નીચે કૂદીને જીવન ટૂંકાવવાની ધમકી આપી રહ્યો છે.
ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ નાગલપુર પોલીસ ચોકી 112 મોબાઇલના મહિલા હેડ કોન્સ્ટેબલ રિંકુબેન, પોલીસ કોન્સ્ટેબલ ચંદનસિંહ સહિતના જવાનો તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. સ્થળ પર યુવક ચોથા માળની જોખમી દીવાલ પર બેઠેલો જોવા મળ્યો હતો અને તેને જોવા માટે લોકોનું મોટું ટોળું એકઠું થઈ ગયું હતું.
મહિલા હેડ કોન્સ્ટેબલ રિંકુબેને અત્યંત સૂઝબૂઝ અને ધીરજ દાખવીને યુવક ગભરાય નહીં તે રીતે તેનાથી થોડે દૂર રહીને વાર્તાલાપ શરૂ કર્યો હતો. સતત 1 કલાક સુધી ચાલેલી સમજાવટ દરમિયાન યુવકે પોતાનું નામ જીગર ઠાકોર, મૂળ વતની મોડાસા અને હાલ દેદીયાસણ ખાતે રહેતો હોવાનું જણાવ્યું હતું. દરમિયાન ફાયર બ્રિગેડની ટીમને પણ સ્થળ પર બોલાવી લેવામાં આવી હતી. આ વચ્ચે જ યુવકની માતા અને પિતા પણ સ્થળે પહોંચી ગયાં હતાં. માતાના સમજાવવા છતાં યુવક નીચે ઉતરવા તૈયાર નહોતો.
પોલીસ અને ફાયર વિભાગની સંયુક્ત કામગીરી તથા કર્મચારીઓની સમયસૂચકતાના કારણે લાંબા સમય બાદ યુવકને સહીસલામત રીતે નીચે ઉતારી લેવાયો હતો. ત્યારબાદ તેને મહેસાણા શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લાવી ચા-નાસ્તો કરાવી શાંત પાડવામાં આવ્યો હતો. પોલીસે તેના માતા-પિતાની હાજરીમાં યુવકનું કાઉન્સિલિંગ કરી સહીસલામત રીતે પરિવારને સોંપ્યો હતો.
બી-ડિવિઝન પી.આઈ. ગઢવીએ જણાવ્યું કે, યુવક માનસિક તણાવમાં હતો. પોતાના અંગત કોઈ કારણોસર તેણે આવું કર્યું હતું. જોકે અમારી પોલીસ ટીમે એક કલાક સુધી તેણે વાતોમાં રાખ્યો ત્યારબાદ જેવો યુવક આખો બંધ કરી ચોથા માળેથી પડવાની તૈયારીમાં હતો, એ દરમિયાન પોલીસ અને ફાયર કર્મીઓએ તેણે પાછળથી પકડી લીધો હતો.