સત્ય. સાહસ. સંકલ્પ.

મહેસાણાના તમામ 10 તાલુકામાં વરસાદ, ધરોઈ ડેમમાં 1736 ક્યુસેક પાણીની આવક

મહેસાણાના તમામ 10 તાલુકામાં વરસાદ, ધરોઈ ડેમમાં 1736 ક્યુસેક પાણીની આવક

મહેસાણા જિલ્લામાં ગઈકાલથી હવામાનમાં પલટો આવ્યો છે અને સમગ્ર પંથકમાં વરસાદ પડ્યો છે. જિલ્લાના તમામ દસ તાલુકાઓમાં સવારના સમયે જ સારો વરસાદ નોંધાયો છે, જેનાથી ખેડૂતો અને સ્થાનિક રહીશોમાં આનંદની લહેર ફરી વળી છે.

વરસાદી આંકડાઓની વાત કરીએ તો મહેસાણા શહેર અને ખેરાલુ પંથકમાં સૌથી વધુ 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ સિવાય વિજાપુર, જોટાણા, વડનગર અને વિસનગર પંથકમાં પણ 1-1 ઇંચ જેટલો નોંધપાત્ર વરસાદ પડ્યો છે. લાંબા સમયના વિરામ બાદ સાર્વત્રિક વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને ચોમાસુ પાકને પણ મોટો પોષણ મળ્યો છે.

બીજી તરફ જિલ્લામાં પડેલા સાર્વત્રિક વરસાદ અને ઉપરવાસની આવકને કારણે મહેસાણાની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં પાણીની નોંધપાત્ર નવી આવક શરૂ થઈ છે. હાલમાં ધરોઈ ડેમમાં 1736 ક્યુસેક પાણીની નવી આવક નોંધાઈ છે, જેના પગલે ડેમની જળસપાટી વધીને 185.150 મીટર પર પહોંચી છે. આ નવી આવક સાથે ધરોઈ ડેમમાં પાણીનો કુલ સંગ્રહ 51.74 ટકા જેટલો થઈ ગયો છે.

તંત્ર દ્વારા મળતી માહિતી મુજબ, હાલ ડેમમાંથી પાણીની કોઈ પણ પ્રકારની જાવક કરવામાં આવી નથી. ડેમમાં અડધાથી વધુ પાણીનો સંગ્રહ થઈ જતાં આગામી સમયમાં પીવાના અને સિંચાઈના પાણીની સમસ્યા હળવી થશે તેવી આશા સેવાઈ રહી છે.