મહેસાણાના ઊંઝા તાલુકાના મકતપુર ખાતે આવેલી નીલકંઠ કોલેજ હોસ્ટેલની મેસમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા ઓચિંતી તપાસ કરવામાં આવી છે. આ તપાસમાં હોસ્ટેલના રસોડામાંથી સડેલા શાકભાજી અને ખરાબ ગુણવત્તાના મસાલા મળી આવ્યા છે.
ABVPની ટીમે ચણાનો લોટ, મેદો અને મસાલા સહિતની ખાદ્યસામગ્રીની તપાસ કરી હતી. આ દરમિયાન વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક એવી હલકી ગુણવત્તાની સામગ્રી મળી આવી હોવાનું જણાવવામાં આવ્યું છે.
આ ઘટનાને લઈને કોલેજ સંચાલકો અને જવાબદાર તંત્ર સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે. ABVP દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં આગામી દિવસોમાં પણ તપાસ ચાલુ રાખવાની ચીમકી આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં રાજકોટ-કાલાવડ રોડ પર આવેલી એમજી હોસ્ટેલમાં ભોજનમાં જીવાત નીકળવાનો મુદ્દો સામે આવ્યો હતો. જેને લઈને હોસ્ટેલના વિદ્યાર્થીઓએ ભૂખ હડતાલ પર ઉતરવું પડ્યું હતું. વિદ્યાર્થીઓનું કહેવું હતું કે વારંવાર ભોજનમાં જીવાત નીકળે છે અને નબળી ગુણવત્તાનું ભોજન પીરસવામાં આવે છે.