સત્ય. સાહસ. સંકલ્પ.

મહેસાણાને રેલવેની મોટી ભેટ: હરિદ્વાર, સોમનાથ અને દ્વારકા માટે ત્રણ નવી ટ્રેનને મંજૂરી

મહેસાણાને રેલવેની મોટી ભેટ: હરિદ્વાર, સોમનાથ અને દ્વારકા માટે ત્રણ નવી ટ્રેનને મંજૂરી

મહેસાણા અને ઉત્તર ગુજરાતના મુસાફરો માટે રેલવે કનેક્ટિવિટીમાં મોટો વધારો થયો છે. હરિદ્વાર, સોમનાથ અને દ્વારકા જેવા ધાર્મિક સ્થળો સુધી સીધી ટ્રેનની સુવિધા મળતાં મુસાફરી સરળ બનશે. ત્રણ નવી ટ્રેનોને મંજૂરી આપવામાં આવી છે.

વેરાવળથી હરિદ્વાર જતી ટ્રેનને મહેસાણામાં સ્ટોપેજ આપવામાં આવ્યું છે. આનાથી મહેસાણા અને આસપાસના વિસ્તારના મુસાફરોને હરિદ્વાર જવામાં સીધો ફાયદો થશે. સોમનાથ જવા ઇચ્છતા મુસાફરો માટે પણ હવે સીધી ટ્રેનની સુવિધા ઉપલબ્ધ થશે, જે લાંબા સમયથી પ્રતીક્ષામાં હતી.

દ્વારકા માટે પણ મુસાફરોની સુવિધામાં વધારો થયો છે. ઓખા-હરિદ્વાર વચ્ચે નવી ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે, જે દ્વારકા માટે સીધી કનેક્ટિવિટી પૂરી પાડશે. ઉપરાંત, બાંદ્રા-દિલ્હી ટ્રેનને હરિદ્વાર સુધી લંબાવવામાં આવી છે, જેથી ઉત્તર ગુજરાતના મુસાફરોને અનેક ધાર્મિક સ્થળો સાથે વધુ સારી કનેક્ટિવિટી મળશે.

આ નિર્ણયથી ધાર્મિક યાત્રા કરતા મુસાફરો ઉપરાંત પ્રવાસીઓ અને વેપારીઓને પણ લાભ થશે. સાંસદ હરિભાઈ પટેલે આ મહત્વપૂર્ણ નિર્ણય બદલ રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવનો આભાર વ્યક્ત કર્યો છે. આ નવી રેલવે સેવાઓ ઉત્તર ગુજરાતના પરિવહન નેટવર્ક માટે મહત્વપૂર્ણ ગણાઈ રહી છે.