સત્ય. સાહસ. સંકલ્પ.

મહેસાણા મનપા: વિકાસ કામોની સાઇટ પર લગાવાશે માહિતી બોર્ડ, નાગરિકો QR કોડથી કરી શકશે ફરિયાદ

મહેસાણા મનપા: વિકાસ કામોની સાઇટ પર લગાવાશે માહિતી બોર્ડ, નાગરિકો QR કોડથી કરી શકશે ફરિયાદ

મહેસાણા મહાનગરપાલિકાએ શહેરમાં થઈ રહેલા વિકાસ કામોમાં પારદર્શિતા અને ગુણવત્તા સુનિશ્ચિત કરવા મહત્વનો નિર્ણય લીધો છે. હવે તમામ વિકાસ કામોની સાઇટ પર વર્ક ઇન્ફોર્મેશન બોર્ડ લગાવવામાં આવશે, જેથી નાગરિકોને કામ અંગેની સંપૂર્ણ માહિતી સ્થળ પર જ મળી શકે.

મહેસાણા શહેરમાં રસ્તા, ડ્રેનેજ, પાણીની લાઈન, ફૂટપાથ અને બગીચા સહિત અનેક વિકાસ કામો નાગરિકોના ટેક્સના નાણાંમાંથી કરવામાં આવે છે. આવા જાહેર નાણાંથી થતા કામોની માહિતી નાગરિકોને સરળતાથી મળી રહે અને કામની ગુણવત્તા અંગે પ્રશ્નો ઉઠાવવાનો અધિકાર મળે, તે હેતુથી આ પગલું ભરવામાં આવ્યું છે.

બોર્ડ પર કામના ટેન્ડર નંબર, મંજૂર થયેલી રકમ, કોન્ટ્રાક્ટર એજન્સીનું નામ અને કામ શરૂ તથા પૂર્ણ થવાની તારીખ જેવી વિગતો દર્શાવવામાં આવશે. સાથે કામ માટે જવાબદાર અધિકારી અને સાઇટ એન્જિનિયરની માહિતી પણ આપવામાં આવશે.

આ બોર્ડ પર QR કોડ પણ હશે. નાગરિકો તેને સ્કેન કરીને કામ અંગે ફોટો કે વીડિયો સહિત ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકશે. ફરિયાદ બાદ મનપા દ્વારા સ્થળ પર તપાસ કરી કામની ગુણવત્તા ચકાસવામાં આવશે.

તપાસમાં કામમાં ક્ષતિ કે કરારભંગ જણાશે તો કોન્ટ્રાક્ટર પાસેથી દંડ અને રિકવરી વસૂલવામાં આવશે. ગંભીર બેદરકારી જણાય તો કાયદેસરની કાર્યવાહી સાથે એજન્સીને બ્લેકલિસ્ટ પણ કરી શકાશે. આ વ્યવસ્થાથી વિકાસ કામોમાં જવાબદારી અને પારદર્શિતા વધશે તેમજ નાગરિકોની સીધી ભાગીદારી પણ સુનિશ્ચિત થશે.