સત્ય. સાહસ. સંકલ્પ.

મહેસાણાના મેકડોનાલ્ડ્સમાં કોલ્ડ ડ્રિંકમાં જીવડું મળ્યું, ફૂડ વિભાગે આઉટલેટ બંધ કરાવ્યું

મહેસાણાના મેકડોનાલ્ડ્સમાં કોલ્ડ ડ્રિંકમાં જીવડું મળ્યું, ફૂડ વિભાગે આઉટલેટ બંધ કરાવ્યું

મહેસાણાના નાગલપુર સ્થિત મેકડોનાલ્ડ્સ રેસ્ટોરન્ટમાં ખાદ્ય સામગ્રીની ગુણવત્તા અને ગ્રાહક સુરક્ષા અંગે ગંભીર ચિંતા ઊભી કરે તેવી ઘટના સામે આવી છે. શહેરના બે યુવાનો બર્ગર અને કોલ્ડ ડ્રિંક લેવા માટે આઉટલેટ પર ગયા હતા, ત્યારે કોલ્ડ ડ્રિંકમાં જીવડું મળી આવ્યું હતું.

યોગ્ય પ્રતિસાદ ન મળતાં નારાજ થયેલા ગ્રાહકે સ્થળ પર પોલીસ કંટ્રોલ રૂમ (PCR) બોલાવ્યો હતો. સ્ટાફ તરફથી સંતોષકારક પગલાં ન લેવાતાં યુવકોએ ઘટનાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો. વીડિયો ઝડપથી વાયરલ થતાં મહેસાણા શહેરમાં ચકચાર મચી ગઈ હતી અને મેકડોનાલ્ડ્સની સ્વચ્છતા પર ગંભીર સવાલો ઊભા થયા હતા.

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોને ધ્યાને લઈ ફૂડ વિભાગના અધિકારી વિપુલ ચૌધરીએ પોતાની ટીમ સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચીને સઘન તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મેકડોનાલ્ડ્સના કિચનમાં ભારે અસ્વચ્છતા, જરૂરી ડોક્યુમેન્ટેશનનો અભાવ તેમજ ગુણવત્તા વગરનું ખરાબ ફ્રાય ઓઈલ મળી આવ્યું હતું.

આ ગંભીર બેદરકારી સામે આવતા ફૂડ વિભાગે તાત્કાલિક અસરથી સંચાલકોને સુધારા નોટિસ ફટકારી છે અને આઉટલેટને બંધ કરાવી દીધું છે. ફૂડ વિભાગે સ્પષ્ટ સૂચના આપી છે કે જરૂરી સુધારા-વધારા કર્યા બાદ અને ધોરણો પૂર્ણ કર્યા પછી જ આ યુનિટ પુનઃ શરૂ કરી શકાશે.