મહેસાણા જિલ્લાના કડી તાલુકાના નંદાસણ નજીક આવેલા રાજપુર ગામમાં છેલ્લા 18 વર્ષથી ભૂગર્ભજળમાં કેમિકલ ભળવાની સમસ્યા ગંભીર બની છે. ગામના લગભગ 20 બોરવેલમાંથી લાલ રંગનું પાણી નીકળે છે, જેને કારણે ખેતીનું ઉત્પાદન અડધું થઈ ગયું છે અને ગ્રામજનો ચામડી તથા શ્વાસની બીમારીઓનો ભોગ બની રહ્યા છે.
ગ્રામજનોના જણાવ્યા અનુસાર, વર્ષ 2008થી આ સમસ્યા શરૂ થઈ હતી. પ્રદૂષિત પાણીના સતત ઉપયોગથી જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે. ઘઉં, બાજરી અને પશુઓના ઘાસચારા જેવા પાકો બળી જતાં ખેતીનું ઉત્પાદન 100 ટકાથી ઘટીને 50 ટકા થઈ ગયું છે. લોકોમાં શ્વાસ લેવામાં તકલીફ, આંખોમાં બળતરા, ચામડીના ગંભીર રોગો અને પેટની બીમારીઓ વધી રહી છે.
સ્થાનિકોના ઉગ્ર આક્રોશ અને વારંવારની રજૂઆતો બાદ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)એ કાર્યવાહી શરૂ કરી છે. મહેસાણા GPCBના પ્રાદેશિક અધિકારી એન.પી. ચૌધરીએ જણાવ્યું કે, ત્રણ બોરવેલના નમૂના લઈને વડોદરા લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. સમસ્યાના કાયમી નિરાકરણ માટે કેન્દ્રીય સ્તરે સ્પેશિયલ કમિટીની રચના કરવામાં આવી છે.
તંત્ર દ્વારા પ્રદૂષણ ફેલાવતા મોટી કંપનીઓના એકમો, ગેરકાયદેસર સાબુ બનાવતા યુનિટ અને સર્વિસ સ્ટેશનને ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે. આ પગલાંથી ગ્રામજનોને રાહતની આશા જાગી છે, પરંતુ પ્રદૂષણનું મૂળ કારણ શું છે તે લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે.