મહેસાણાના રાધનપુર રોડ પર આવેલી વાણી IVF સેન્ટરમાં 33 વર્ષીય મહિલાનું સારવાર દરમિયાન મોત થયાની ઘટના સામે આવી છે. મૃતક મહિલાનું નામ રમીલાબેન ચાવડા હતું અને તેઓ કડી તાલુકાના મેડા આદરજ ગામના રહેવાસી હતા.
પરિવારજનોના જણાવ્યા અનુસાર, રમીલાબેનના લગ્નને 10 વર્ષ થયા હતા અને છેલ્લા એક મહિનાથી તેમની IVF (ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન) સારવાર ચાલી રહી હતી. 10 સપ્ટેમ્બરે તેમને ઓપરેશન માટે વાણી IVF સેન્ટરમાં બોલાવવામાં આવ્યા હતા. 15 સપ્ટેમ્બરે સારવાર દરમિયાન તેમને એનેસ્થેસિયા આપ્યા બાદ તેઓ ભાનમાં આવ્યા ન હતા.
IVF સેન્ટરના ડોક્ટર કામિનીબેન પટેલ અને સ્ટાફ દ્વારા પરિસ્થિતિ સંભાળી ન શકાતાં તેમણે મહેસાણાની અન્ય એક ખાનગી ICU હોસ્પિટલના ડોક્ટરોને સ્થળ પર જ બોલાવી લીધા હતા અને બાદમાં મહિલાને ખાનગી ICUમાં શિફ્ટ કરી દીધા હતા. 16 સપ્ટેમ્બરે વહેલી સવારે 3:30 વાગ્યે સારવાર દરમિયાન રમીલાબેનનું મોત થયાનું જાહેર કરાયું હતું.
આ ઘટનાની જાણ થતાં જ મૃતકના પરિવારજનો મોટી સંખ્યામાં IVF સેન્ટર બહાર એકઠા થઈ ગયા હતા અને ડોક્ટરની ગંભીર બેદરકારીના કારણે મોત થયું હોવાનો આક્ષેપ કર્યો હતો. મૃતકના ભાઈ લલિતભાઈએ જણાવ્યું હતું કે, "મારી બહેનને અમે IVF કરાવવા લઈને આવ્યા હતા. એને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા. ડોક્ટરની બેદરકારીના કારણે એને જે પણ આપવામાં આવ્યું હોય કે બેભાન કરવામાં એમને એવું કહેવામાં આવ્યું બેનનું હૃદય બંધ થઈ ગયું છે. પછી અમે એને ICUમાં લઈ ગયા અને ત્યાં આજે બેનનું મોત થયું."
ઘટના બાદ જ્યારે પરિવારજનો ડોક્ટર કામિનીબેન પટેલ પાસે ખુલાસો માગવા પહોંચ્યા, ત્યારે ડોક્ટર અને તમામ સ્ટાફ હોસ્પિટલને તાળું મારી ફરાર થઈ ગયા હતા અને ફોન પણ ઉપાડી રહ્યા નથી. ડોક્ટર અને સ્ટાફના ભાગી જવાથી પરિવારનો રોષ બેવડાયો છે. મૃતકના પરિવારે સ્પષ્ટ ચીમકી આપી છે કે, જ્યાં સુધી ડોક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે અને તેઓ હાજર નહીં થાય, ત્યાં સુધી તેઓ મૃતદેહનો સ્વીકાર કરશે નહીં.
આ મામલે ઈન્ચાર્જ આરોગ્ય અધિકારી પ્રવીણ ભાઈએ જણાવ્યું હતું કે, "મહિલાનું મોત થયું હોવા અંગે અમને જાણ થઈ છે. બીજી બાબતો સમગ્ર હકીકતની તપાસ બાદ જ જાણી શકાશે. હજુ ડોકટરનો સંપર્ક થઈ શક્યો નથી."
બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ ગઢવીએ જણાવ્યું કે, "હાલમાં તો અકસ્માત મોત દાખલ થાય. પોસ્ટમોર્ટમ થયા બાદ સાચું કારણ જાણી શકાશે. જો ડોક્ટરની બેદરકારી હશે તો ગુનો દાખલ થાય. પ્રાથમિક તબક્કે એવું જાણવા મળ્યું છે કે, સારવાર દરમિયાન એટેક આવ્યો છે. ત્યારબાદ વાણી IVFમાંથી દર્દીને લાવવામાં આવ્યા હતા ને મોત થયું છે. જો પોલીસ ફરિયાદ થશે તો એ મહેસાણા તાલુકા પોલીસમાં થશે. કારણ કે વાણી IVF મહેસાણા તાલુકા હદમાં આવ્યું છે."
એનેસ્થેસિયા એટલે દર્દીના પૂરેપૂરા શરીરને કે જરૂરી ભાગને દવાઓ દ્વારા પીડારહિત કરવું. આધુનિક એનેસ્થેસિયાની પદ્ધતિ દ્વારા દર્દીના ધબકારા, શ્વાસ, બ્લડપ્રેશર, શરીરમાં ઓક્સિજનનું લેવલ અને લોહીના સર્ક્યુલેશનની સ્થિતિ પર નજર રાખી શકાય છે. જરૂર પડે તો તેમાં સુધારો-વધારો પણ કરી શકાય છે. ઓપરેશન પત્યા બાદ પાંચથી સાત મિનિટમાં દર્દીને સભાન અવસ્થામાં લાવી શકાય છે.
હાલ આ મામલે સ્થાનિક સ્તરે ભારે તંગદિલીનો માહોલ છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ જાણી શકાશે.