મહેસાણાના મોઢેરા-મીઠી ઘડિયાળ રોડ પર 18 ઓક્ટોબરની સાંજે હિટ એન્ડ રનની ઘટના બની છે. એક કિયા કારના ચાલકે ત્રણ સવારી બાઇકને જોરદાર ટક્કર મારતાં 27 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતમાં અન્ય બે બાઇક સવાર ગંભીર રીતે ઘાયલ થયા છે.
મોઢેરા પોલીસના કર્મચારી અનિલભાઈએ જણાવ્યું કે, કાર અમદાવાદના રાહુલ ઠક્કરના નામે નોંધાયેલી છે. કારના માલિકની શોધખોળ ચાલુ છે. અકસ્માત કોણે કર્યો તે તપાસ બાદ સ્પષ્ટ થશે.
મૃતકની પત્ની તારાબેન દેવીપૂજકની ફરિયાદ મુજબ, તેમના પતિ નટુભાઈ કાળાભાઈ દેવીપૂજક (ઉં.વ. 27) ગઈકાલે બપોરે ઘરેથી મોઢેરા ગામે ખેતમજૂરી કામે ગયા હતા. સાંજે 5:30થી 6:30 વાગ્યાના સુમારે નટુભાઈ, તેમના સંબંધી રમેશભાઈ ઈશ્વરભાઈ દેવીપૂજક અને દરબાર રણવીરસિંહ હિંમતસિંહ જાડેજા ત્રણેય જણા ટુ-વ્હીલર (GJ 02 EH 6783) પર સવાર થઈને ખેતરેથી ઘરે જવા નીકળ્યા હતા. બાઇક નટુભાઈ ચલાવી રહ્યા હતા.
મોઢેરાથી મીઠી ઘડિયાળ જવાના રોડ પર ચડતી વખતે મોઢેરા કેનાલ તરફથી પૂરઝડપે આવી રહેલી કિયા કાર (GJ 01 WU 0924)ના ચાલકે તેમના બાઇકને જોરદાર ટક્કર મારી. અકસ્માતમાં નટુભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થતાં ઘટનાસ્થળે જ તેમનું મોત નીપજ્યું. અકસ્માત બાદ કારચાલક મદદ કરવાના બહાને ફરાર થઈ ગયો, જેનો વીડિયો અન્ય વાહનચાલકે મોબાઈલમાં કેદ કર્યો છે.
બનાવની જાણ થતાં મૃતકના પત્ની તારાબેન તથા પિયર પક્ષના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઘાયલ રમેશભાઈ દેવીપૂજક અને રણવીરસિંહ જાડેજાને 108 એમ્બ્યુલન્સ મારફતે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બંને સારવાર હેઠળ છે અને માથા તથા મોઢાના ભાગે ઈજા થતાં બેભાન અવસ્થામાં હોવાનું પરિવારજનોએ જણાવ્યું છે. અકસ્માતમાં કારના આગળના ભાગને નુકસાન થયું છે.
મોઢેરા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બેચરાજી સિવિલ હોસ્પિટલ મોકલ્યો હતો. પીએમ પ્રક્રિયા બાદ મૃતદેહને તેમના મોટાભાઈ અરવિંદભાઈ કાળાભાઈ દેવીપૂજકને અંતિમ વિધિ માટે સોંપવામાં આવ્યો હતો.
મૃતક નટુભાઈ પોતાના પરિવારમાં પત્ની અને 4 વર્ષના દીકરા ઉમેશ સાથે રહેતા હતા. ઘરના મોભીના મોતથી પરિવારમાં શોકની લાગણી છે. મોઢેરા પોલીસે તારાબેનની ફરિયાદના આધારે ફરાર કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી છે.