સત્ય. સાહસ. સંકલ્પ.

મહેસાણા ફાયરિંગ કેસ: છ આરોપીની ધરપકડ, છ ફરાર

મહેસાણા ફાયરિંગ કેસ: છ આરોપીની ધરપકડ, છ ફરાર

મહેસાણાના નાગલપુર ચોકડી પર થયેલા ફાયરિંગ અને ગેંગવોર કેસમાં પોલીસે છ લોકોની ધરપકડ કરી છે. ગઈકાલે ચાર લોકોને રાઉન્ડઅપ કર્યા બાદ આજે વધુ બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે હુમલામાં ત્રણ અલગ અલગ કારમાં કુલ 12 લોકો સવાર હતા. આ હુમલાનું ષડયંત્ર કટોસણના જોરાવરસિંહ દરબારે રચ્યું હતું. જોકે, જોરાવરસિંહ સહિત છ આરોપીઓ હજુ ફરાર છે.

દરમિયાન, મહેસાણામાં કુખ્યાત ભાવેશ ઝીલીયા પર થયેલા જીવલેણ હુમલાનો વધુ એક વીડિયો પોલીસને મળ્યો છે. આ વીડિયોમાં નંબર પ્લેટ વગરની સ્કોર્પિયો કારે ફોર્ચ્યુનર કાર પર ગોળીબાર કર્યાના દ્રશ્યો જોવા મળે છે.

આ હુમલો 30 ઓગસ્ટની રાત્રે આશરે સાડા આઠ વાગ્યે ચાણસ્મા તાલુકાના ઝીલીયા ગામ નજીક થયો હતો. ભાવેશ ઝીલીયા પોતાની ફોર્ચ્યુનર કારમાં મિત્રો સાથે બેઠો હતો ત્યારે સફેદ સ્કોર્પિયો કારમાં આવેલા અજાણ્યા શખ્સોએ તેની કારને ડ્રાઈવર સાઈડથી જોરદાર ટક્કર મારી હતી. ત્યારબાદ વારંવાર કારને રિવર્સ કરીને ટક્કરો માર્યા બાદ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.

આ હુમલામાં ભાવેશ ઝીલીયાના ડાબા હાથના પંજાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. હુમલા બાદ હુમલાખોરો તે જ સ્કોર્પિયો કાર લઈને નાગલપુર તરફ ભાગી ગયા હતા. પોલીસે કેસની તપાસ શરૂ કરી છે.