સત્ય. સાહસ. સંકલ્પ.

મહેસાણાના પરિવારના ત્રણ સભ્યો ઇથોપિયામાં અપહરણના ભોગ બન્યા, ₹1 કરોડની ખંડણી માંગાઈ

મહેસાણાના પરિવારના ત્રણ સભ્યો ઇથોપિયામાં અપહરણના ભોગ બન્યા, ₹1 કરોડની ખંડણી માંગાઈ

અમેરિકા જવાની ઘેલછા મહેસાણા અને ગાંધીનગરના એક પરિવાર માટે ભયાનક સ્વપ્ન સાબિત થઈ છે. એક જ પરિવારના ત્રણ યુવક-યુવતીઓ—ઋત્વિક, મમતા અને મયૂરી—એજન્ટો મારફતે અમેરિકા જવા નીકળ્યા હતા, પરંતુ આફ્રિકન દેશ ઇથોપિયામાં માનવ તસ્કરોના ચુંગાલમાં ફસાઈ ગયા. તેમનું અપહરણ કરવામાં આવ્યું છે અને 'ખાન' નામના શખ્સે ₹1 કરોડની ખંડણી માંગી છે.

મમતાના પિતા કિરિટ ચૌહાણે લાંઘણજ પોલીસ સ્ટેશનમાં ગુમ થયા અંગે ફરિયાદ નોંધાવી છે. મમતાના પતિ અગાઉ સ્ટુડન્ટ વિઝા પર અમેરિકા ગયા હોવાથી દીકરીનો વિઝા વારંવાર રિજેક્ટ થતો હતો. તેથી પરિવારે ડાંગરવાના એજન્ટ અલ્પેશ પંચાલ અને વડોદરાના ભાર્ગવ પટેલનો સંપર્ક કર્યો હતો. 20 તારીખે ઘરેથી નીકળેલા ત્રણેય 22 તારીખે ઇથોપિયા પહોંચ્યા બાદ તેમનો પરિવાર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.

ત્યારબાદ 'ખાન' નામના અજાણ્યા શખ્સે ફોન કરીને ત્રણેયનું અપહરણ થયું હોવાનું જણાવ્યું અને જીવતા છોડવા માટે ₹1 કરોડની ખંડણી માંગી. પરિવારે એજન્ટના કહેવાથી અત્યાર સુધીમાં ₹60 થી ₹70 લાખ ચૂકવી દીધા છે, છતાં અપહરણકારો તેમને મુક્ત કરવા તૈયાર નથી. માતા-પિતા આંસુ સાથે સરકારને પોતાના સંતાનોને હેમખેમ પરત લાવવાની આજીજી કરી રહ્યા છે. આ ઘટનામાં સ્થાનિક એજન્ટોની સંડોવણી અંગે પણ ગંભીર સવાલો ઉઠ્યા છે.