સત્ય. સાહસ. સંકલ્પ.

મહેસાણામાં મહિલા કોન્સ્ટેબલે આપઘાતનો પ્રયાસ કરતા યુવકને એક કલાકની સમજાવટ બાદ બચાવ્યો

મહેસાણામાં મહિલા કોન્સ્ટેબલે આપઘાતનો પ્રયાસ કરતા યુવકને એક કલાકની સમજાવટ બાદ બચાવ્યો

મહેસાણાના મોઢેરા ચોકડી પાસે આવેલા હબ ટાઉન કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં 27 સપ્ટેમ્બરની રાત્રે આપઘાત કરવા ચોથા માળે ચઢી ગયેલા એક યુવકને 112 ટીમની મહિલા હેડ કોન્સ્ટેબલ રિંકુબેન મેવાડાએ તેમની સૂઝબૂઝથી બચાવી લીધો હતો. યુવકને ચોથા માળેથી નીચે કૂદતો અટકાવવા રિંકુબેને તેની સાથે એક કલાક સુધી વાતો કરી હતી.

હબ ટાઉન કોમ્પ્લેક્સના ચોથા માળે આપઘાત કરવા પહોંચેલો યુવક. (તસવીર: ભાસ્કર)

ઘટના અંગે મળતી માહિતી મુજબ, 27 સપ્ટેમ્બરે રાત્રે સાડા નવ વાગ્યાના અરસામાં મહેસાણા શહેરની મોઢેરા ચોકડી નજીક આવેલા હબ ટાઉન સંકુલમાં એક યુવક આપઘાત કરવાના ઇરાદે ચોથા માળે ચઢી ગયો હતો. નાગલપુર પોલીસ ચોકીની 112 PCR વાનને આ અંગે વર્ધી મળતાં ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. 112 ટીમમાં ફરજ પર હાજર મહિલા હેડ કોન્સ્ટેબલ રિંકુબેન મેવાડા અને તેમની ટીમે જોયું તો યુવક કોમ્પ્લેક્સના ચોથા માળની દીવાલ પર ઊભો હતો અને નીચે કૂદવાની તૈયારી કરી રહ્યો હતો.

રિંકુબેને પરિસ્થિતિની નાજુકતા સમજીને યુવકથી ચોક્કસ અંતર જાળવી રાખીને તેની સાથે વાતચીત શરૂ કરી હતી. તેમણે પોલીસ અધિકારી તરીકે નહીં, પરંતુ એક મોટી બહેનની જેમ પ્રેમ અને મમતાથી યુવક સાથે વાત કરી હતી. સતત એક કલાક સુધી ચાલેલી આ વાતચીત દરમિયાન તેમણે યુવકને સમજાવ્યું કે, "જિંદગીમાં ગમે તેવી આર્થિક કે અંગત મુશ્કેલી હોય, તેનો ઉકેલ શોધી શકાય છે, પણ જિંદગી એકવાર ગયા પછી પાછી આવતી નથી."

પોલીસ ટીમે ફાયર બ્રિગેડને પણ જાણ કરી દીધી હતી. હબ ટાઉન કોમર્શિયલ એરિયા હોવાથી અને નીચે પાકો રસ્તો હોવાથી યુવક નીચે પડે તો તેનો જીવ જવાનું પૂરેપૂરું જોખમ હતું. સતત એક કલાકની સમજાવટ છતાં માનસિક રીતે અતિશય અસ્વસ્થ થઈ ગયેલો યુવક નીચે ઉતરવા તૈયાર નહોતો.

એક તબક્કે જ્યારે યુવકે પોતાની આંખો બંધ કરીને ઊંધો ફરીને ચોથા માળેથી નીચે કૂદવાનો પ્રયાસ કર્યો, ત્યારે ક્ષણાર્ધનો પણ વિલંબ કર્યા વગર રિંકુબેન, પીસીઆર ટીમ અને ફાયર વિભાગના જવાનોએ યુવકને પાછળથી મજબૂતીથી પકડી લીધો અને ખેંચીને સલામત સ્થળે લઈ લીધો.

આ અંગે વુમન હેડ કોન્સ્ટેબલ રિંકુબેન મેવાડાએ જણાવ્યું કે, "અમારો 112નો કેમ્પ નાગલપુર ચોકી ખાતેનો છે. અમે ચોકી પર હાજર હતા અને લગભગ પોણા દસેક વાગ્યાની આસપાસ અમને વર્ધી મળી હતી કે હબ ટાઉનમાં એક છોકરો છે જે હેરાન કરે છે. ત્યાંના સુપરવાઇઝરનો કોલ આવ્યો હતો. અમે સ્થળ પર જઈને એમને મળ્યા એટલે પછી ત્યાં જ ગયા ત્યારે અમને ખબર પડી કે છોકરો ચોથા માળે ચઢી ગયો છે. નીચેથી અમે એને જોયો, અમે લિફ્ટ દ્વારા ઉપર ગયા. એ જે પરિસ્થિતિમાં બેઠો હતો, તો અમારું એક પણ પગલું ખોટું ભરાઈ ગયું હોત તો કદાચ એ એનો જીવ ગુમાવી બેસત. એટલે અમે શાંતિથી અને બહુ વિચારીને એનાથી થોડું અંતર જાળવ્યું અને અમે એની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો. અમે એનું નામ જાણવાનો પ્રયત્ન કર્યો, ક્યાંથી આવ્યો છે, એના માતા-પિતા શું કરે છે. અહીં ચોથા માળે આ જગ્યાએ મરણ જવાના ઇરાદાથી બેઠો છે તો એનું કારણ જાણવાનો પ્રયત્ન કર્યો. અને ધીરે ધીરે એને અમારી વાતમાં લાવવાનો પ્રયત્ન કર્યો."

તેમણે વધુમાં જણાવ્યું કે, "પછી ત્યાંથી અમે અમારી 112ની ટીમના માણસોએ ફાયર વિભાગનો પણ સંપર્ક કર્યો. ફાયર જ્યાં સુધી આવે ત્યાં સુધી નીચે હબ ટાઉન આખું કોમર્શિયલ એરિયા છે અને નીચે પ્લાસ્ટર હતું, એટલે અમને ડર હતો કે જો છોકરો કદાચ નીચે પડી જશે તો શરીરને ગંભીર ઈજા થશે. એટલે અમે શાંતિથી સમજી-વિચારીને સૂઝબૂઝથી જ નિર્ણય લીધો અને જ્યાં સુધી ફાયરની ટીમ આવે ત્યાં સુધી અમે એની સાથે વાર્તાલાપ ચાલુ રાખ્યો. શરૂઆતમાં એવું થયું હતું કે અમે પોતે પણ ગભરાઈ ગયા હતા, કારણ કે એ જે પરિસ્થિતિમાં બેઠો હતો તે ખૂબ ચિંતાજનક હતી."

રિંકુબેનની આ હિંમત અને સૂઝબૂઝને કારણે યુવકનો જીવ બચી ગયો. આ ઘટના દર્શાવે છે કે માનસિક તણાવની સ્થિતિમાં સમજાવટ અને સાથ આપવાથી કોઈ પણ વ્યક્તિને આત્મહત્યાના વિચારથી રોકી શકાય છે.