ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના આકલાચા ગામ નજીક 12 નવેમ્બરની સવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક પર સવાર બે યુવાનોનાં મોત નીપજ્યાં હતાં. આ અકસ્માત સીસીટીવી કેમેરામાં કેદ થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, દસ્ક્રોઈ તાલુકાના વાંચ ગામે માતાજીના માંડવા ખાતે યોજાયેલા ધાર્મિક પ્રસંગમાં કલાકાર વિક્રમ ઠાકોરનો કાર્યક્રમ જોઈને બંને યુવાનો પોતાની બાઇક પર પરત ફરી રહ્યા હતા. સવારે 07:48 વાગેનાં સીસીટીવી ફૂટેજમાં દેખાય છે કે બાઇક ઝડપથી રસ્તાના વળાંક પરથી પસાર થાય છે, પરંતુ વળાંક લેતી વખતે ચાલક બાઇક પરનો કાબૂ ગુમાવી બેસે છે અને બાઇક રસ્તાની બાજુમાં આવેલા ઝાડ સાથે જોરદાર અથડાય છે. ધૂળની ડમરીઓ વચ્ચે બંને યુવાનો નીચે પટકાય છે.
અકસ્માત થતાં જ આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને રસ્તા પર પડેલી બાઇકને ઊભી કરવાનો પ્રયાસ કર્યો હતો. પાછળ અન્ય બાઇક પર આવી રહેલા ચાલકે આ દુર્ઘટના પોતાની આંખ સામે બનતી જોઈ હતી. નજર સામે જ અકસ્માત સર્જાતાં તે ગભરાઈ ગયો હતો અને તેણે પોતાના વાહનના સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો.
બનાવની જાણ થતાં મહેમદાવાદ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે બંને મૃતક યુવાનોના મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી છે. મહેમદાવાદ પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને સીસીટીવી ફૂટેજના આધારે તેમજ અન્ય દિશામાં વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.