સત્ય. સાહસ. સંકલ્પ.

મેહલી મિસ્ત્રીએ ટાટા મેડિકલ સેન્ટર ટ્રસ્ટમાંથી રાજીનામું આપ્યું, 30 સપ્ટેમ્બરે કાર્યકાળ પૂરો

મેહલી મિસ્ત્રીએ ટાટા મેડિકલ સેન્ટર ટ્રસ્ટમાંથી રાજીનામું આપ્યું, 30 સપ્ટેમ્બરે કાર્યકાળ પૂરો

રતન ટાટાના નજીકના સહયોગી ગણાતા મેહલી મિસ્ત્રીએ કોલકાતા સ્થિત ટાટા મેડિકલ સેન્ટર ટ્રસ્ટના સભ્યપદેથી રાજીનામું આપ્યું છે. તેમનો કાર્યકાળ 30 સપ્ટેમ્બરે પૂરો થશે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ ફરીથી આ જવાબદારી સંભાળશે નહીં.

મિસ્ત્રીએ 15 સપ્ટેમ્બરે ઈ-મેલ દ્વારા આ નિર્ણયની જાણ ટાટા મેડિકલ સેન્ટરના CEOને કરી હતી અને વિનંતી કરી હતી કે તેમના રાજીનામાને સત્તાવાર રેકોર્ડમાં નોંધવામાં આવે. આ ઈ-મેલ તેમણે ટાટા ટ્રસ્ટ્સના નવા ચેરમેન નોએલ ટાટા સહિત પરિવારના અન્ય ટ્રસ્ટીઓને પણ મોકલ્યો હતો.

ટાટા મેડિકલ સેન્ટર ખાતે 436 બેડની સુવિધા છે અને તે નફા વિના ચાલે છે. અહીં કેન્સરની સારવાર ઓછા ખર્ચે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. કેન્સરની શરૂઆતના તબક્કે ઓળખ, રોગ ફેલાતો અટકાવવો, દર્દીઓની દેખરેખ અને સારવાર પછીની સંભાળ જેવી સેવાઓ પણ આ સંસ્થા આપે છે.

ટાટા ગ્રુપ સાથે સંકળાયેલી સંસ્થાઓમાં મિસ્ત્રીની જવાબદારીઓ ધીમે ધીમે ઘટી રહી છે. આ પહેલાં તેમણે RNT એસોસિયેટ્સના ડિરેક્ટર પદેથી રાજીનામું આપ્યું હતું. આ કંપની રતન ટાટાના વ્યક્તિગત રોકાણોનું સંચાલન કરે છે, જેમાં ઓલા ઇલેક્ટ્રિક અને અર્બન કંપની જેવા રોકાણોનો સમાવેશ થાય છે. તેનું કુલ પોર્ટફોલિયો ₹1,000 કરોડથી વધુનું છે.

RNT એસોસિયેટ્સ છોડતા પહેલાં મિસ્ત્રીએ રતન ટાટા સાથે જોડાયેલા અન્ય બે ચેરિટી ટ્રસ્ટોના હોદ્દા પણ છોડી દીધા હતા. રતન ટાટાની વસિયત અમલમાં આવ્યા બાદ જ્યારે આ ટ્રસ્ટોની જવાબદારી નવા લોકોને સોંપવામાં આવી, ત્યારે કંપનીનું સંચાલન પણ નવા ટ્રસ્ટીઓને સોંપાયું હતું.

ટાટા ગ્રુપના બે મુખ્ય ચેરિટી ટ્રસ્ટો – સર દોરાબજી ટાટા ટ્રસ્ટ અને સર રતન ટાટા ટ્રસ્ટ –માંથી મેહલી મિસ્ત્રી ઓક્ટોબર 2025માં જ હટી ચૂક્યા છે. અગાઉ તેમને આજીવન ટ્રસ્ટી તરીકે રાખવાની ચર્ચા હતી, પરંતુ બાદમાં તેમને ફરીથી આ પદ માટે મંજૂરી મળી શકી નહોતી.

તે સમયગાળા દરમિયાન મિસ્ત્રીએ ચેરિટી કમિશનરનો સંપર્ક પણ કર્યો હતો જેથી તેમની બાજુ સાંભળવામાં આવે. જોકે, પછી તેમણે પોતે જ મામલો શાંત કરી દીધો અને કહ્યું કે તેઓ રતન ટાટાના સિદ્ધાંતોનું પાલન કરતાં ટાટા ટ્રસ્ટ્સને કોઈ વિવાદમાં ખેંચવા માંગતા નથી.

હાલમાં મિસ્ત્રી સર રતન ટાટા ટ્રસ્ટ હેઠળના ટાટા એજ્યુકેશન એન્ડ ડેવલપમેન્ટ ટ્રસ્ટ સાથે જોડાયેલા છે. પરંતુ 30 સપ્ટેમ્બરે કાર્યકાળ પૂરો થયા બાદ ટાટા મેડિકલ સેન્ટર ટ્રસ્ટમાં તેમની ભૂમિકા સત્તાવાર રીતે સમાપ્ત થઈ જશે.