દિવાળીના તહેવાર પર પરિવાર અને સંબંધોની વાર્તા દર્શાવતી ફિલ્મ 'મીઠે મેં ક્યા હૈ' 30 ઑક્ટોબરે નેટફ્લિક્સ પર રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મનું નિર્દેશન રાધિકા બંસલે કર્યું છે. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં રાધિકા, આયેશા રઝા મિશ્રા, રોહિણી હટ્ટંગડી અને ઋત્વિક ભૌમિકે ફિલ્મ, પાત્રો અને પરિવાર સાથે જોડાયેલી યાદો વિશે વાત કરી.
રાધિકાએ જણાવ્યું કે ફિલ્મનો વિચાર ક્રિસમસની ફિલ્મોમાંથી આવ્યો. તેમણે કહ્યું, 'અમારો પરિવાર દર વર્ષે ક્રિસમસ પર 'હોમ અલોન' અને 'લવ એક્ચ્યુઅલી' જેવી ફિલ્મો જુએ છે. મને લાગ્યું કે દિવાળી પર પણ એવી ફિલ્મ હોવી જોઈએ, જેને આખો પરિવાર સાથે બેસીને જોઈ શકે. દિવાળી ઘરે પરત ફરવાનો અને પરિવાર સાથે સમય વિતાવવાનો તહેવાર છે. આ જ વિચારથી ફિલ્મની વાર્તા આગળ વધતી ગઈ.'
ફિલ્મમાં ઘણો બધો મસાલો છે. આ ખટ્ટી-મીઠી વાર્તા છે, જેમાં ડ્રામા, હાસ્ય, સંબંધોની ગૂંચવણો અને ઘણાં સરપ્રાઇઝ છે. આ એક મિક્સ બૉક્સ જેવી છે.
પોતાની પહેલી ફિલ્મમાં આટલી શાનદાર સ્ટારકાસ્ટ કેવી રીતે મળી તે અંગે રાધિકાએ કહ્યું, 'આ મારી પહેલી ફિલ્મ છે. હું અગાઉ ક્યારેય ફિલ્મના સેટ પર પણ ગઈ નહોતી, તેથી શરૂઆતમાં અપેક્ષાઓ ઓછી રાખી હતી. હું વાર્તાને નાનીના પાત્રની આસપાસ રચવા માગતી હતી. રોહિણી હટ્ટંગડી મારી ડ્રીમ કાસ્ટ હતી. મેં વિચાર્યું કે, પૂછવામાં શું નુકસાન છે. તેમણે હા પાડી, તો લાગ્યું કે કદાચ સારી ફિલ્મ બની શકશે. ત્યાર પછી આયેશા રઝા મિશ્રા અને ઋત્વિક ભૌમિક પણ જોડાઈ ગયા. ખાસ વાત એ છે કે કોઈએ પણ ફિલ્મ માટે ના પાડી નહીં.'
આયેશા રઝા મિશ્રાએ ડિરેક્ટર સાથેના અનુભવ વિશે કહ્યું, 'રાધિકા પોતાના પાત્રોને લઈને ખૂબ સ્પષ્ટ હતાં. શરૂઆતમાં મને તેમના કેટલાક નિર્દેશો ખોટા પણ લાગ્યા, પરંતુ જ્યારે દૃશ્યોનું શૂટિંગ થયું ત્યારે સમજાયું કે તેઓ સાચાં હતાં. એક કલાકાર તરીકે પાત્રને સમજવામાં અને તેને નવી રીતે શોધવામાં મજા આવી. ફિલ્મમાં માતા-દીકરી, માતા-પુત્ર અને પરિવારના અન્ય સંબંધોને સુંદર રીતે દર્શાવવામાં આવ્યા છે.'
રોહિણી હટ્ટંગડીએ જણાવ્યું, 'જ્યારે રાધિકાએ વાર્તા સંભળાવી, ત્યારે જ લાગ્યું હતું કે આ એક નાની, સુંદર પારિવારિક ફિલ્મ બનવાની છે. તેમાં મોટા-મોટા ભાવનાત્મક દૃશ્યો બતાવવાને બદલે સંબંધોને સહજ રીતે રજૂ કરવામાં આવ્યા છે. આવા પાત્રો ભજવવા મુશ્કેલ હોય છે, કારણ કે તેમાં એક્ટિંગ દેખાડવાને બદલે તેમને જીવવાં પડે છે. ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચ્યા પછી પણ લાગ્યું હતું કે આ એક સારો અનુભવ રહેશે.'
અમે આખી ફિલ્મ એક મહિનામાં શૂટ કરી. સાથે રહેવા અને કામ કરવાથી કલાકારો વચ્ચે પણ પારિવારિક સંબંધ બની ગયો. તેની અસર પડદા પર પણ દેખાશે. ડિરેક્ટરને પોતાનાં પાત્રોની સમજ હતી, તેથી કામ કરવું સરળ રહ્યું.
ઋત્વિક ભૌમિકે ફિલ્મ માટે હા પાડવાનું કારણ જણાવતાં કહ્યું, 'પહેલી વાર રાધિકા સાથે વીડિયો કૉલ પર વાત થઈ હતી. તેમણે કેટલાક સીન મોકલ્યા અને જણાવ્યું કે તેઓ કેવી ફિલ્મ બનાવવા માગે છે. તેમની વાતોમાં વાર્તા પ્રત્યેની સચ્ચાઈ અને આત્મીયતા હતી. તેમનો ઉત્સાહ જોઈને લાગ્યું કે, હું પણ આ ફિલ્મનો હિસ્સો બનવા માગું છું. હું જય અગ્રવાલનું પાત્ર ભજવી રહ્યો છું. તે પરિવારમાં નવી પેઢીનો સૌથી મોટો દીકરો છે અને પોતાના જીવનના એક ખાસ અનુભવમાંથી પસાર થઈ રહ્યો છે. આ પાત્ર દ્વારા મને દુઃખ અને તેની સાથે જોડાયેલી લાગણીઓને એક નવી રીતે સમજવાની તક મળી.'
સેટ પર વારંવાર શૂટ કરવા પડેલા દૃશ્ય વિશે રાધિકાએ કહ્યું, 'એક સુટકેસવાળો લાંબો સીન હતો, જેમાં રાત્રિના સમયે અલગ-અલગ જગ્યાએ જવાનું હતું. તેને ઘણી વાર શૂટ કરવો પડ્યો. લાઇટિંગ અને સીનની જરૂરિયાતોને કારણે ઘણા રીટેક કરવા પડ્યા.'
લખનઉમાં શૂટિંગ દરમિયાન ત્યાંની મીઠાઈઓનો આનંદ લેવા અંગે રોહિણીએ કહ્યું, 'લખનઉની રબડી અને જલેબી સૌને ખૂબ પસંદ આવી. રામ આસરે અને છપ્પન ભોગ જેવી જગ્યાઓની મીઠાઈઓ પણ ખાધી. સેટ પર તો અમે ખૂબ જ મિજબાની કરી.'