સત્ય. સાહસ. સંકલ્પ.

સાપ કરડ્યાનું નાટક કરી પતિની હત્યા: પત્ની અને પ્રેમીને ફાંસીની સજા, મેરઠ કોર્ટનો ચુકાદો

સાપ કરડ્યાનું નાટક કરી પતિની હત્યા: પત્ની અને પ્રેમીને ફાંસીની સજા, મેરઠ કોર્ટનો ચુકાદો

મેરઠ જિલ્લામાં પતિની હત્યા કરીને તેને સાપ કરડવાથી થયેલું મૃત્યુ સાબિત કરવાનો પ્રયાસ કરનારી પત્ની અને તેના પ્રેમીને અદાલતે ફાંસીની સજા ફટકારી છે. આ ઘટના મેરઠના બહસુમા પોલીસ સ્ટેશન વિસ્તારના અકબરપુર સદાત ગામની છે.

ગામમાં રહેતા અમિત કશ્યપના પત્ની રવિતાના તેમના પાડોશી અમરદીપ સાથે ગેરકાયદે સંબંધો હતા. પતિ આ સંબંધમાં અડચણ રૂપ હોવાથી બંનેએ તેમને મારી નાખવાની યોજના બનાવી. 12 એપ્રિલ 2025ની રાત્રે જ્યારે અમિત સૂતા હતા, ત્યારે રવિતા અને અમરદીપે મળીને તેમનું ગળું દબાવીને હત્યા કરી નાખી.

હત્યા બાદ પોલીસ અને પરિવારને ગુમરાહ કરવા માટે આરોપીઓએ યુક્તિ અપનાવી. તેમણે અમિતના મૃતદેહ નીચે એક બિનઝેરી સાપ છોડી દીધો. સામાન્ય ભાષામાં 'ધામણ' કહેવાતો આ સાપ ખૂબ ઝડપથી ભાગતો હોવાથી ગામડામાં તેને 'ઘોડા પછાડ' કહેવાય છે. મૃતદેહના વજન નીચે દબાઈ જવાના કારણે સાપે મૃતદેહને પાંચ વાર ડંખ પણ માર્યા. સવારે રવિતાએ કંઈ ખબર ન હોવાનું નાટક કર્યું અને અંધશ્રદ્ધાના કારણે પરિવારે પણ માની લીધું કે અમિતનું મોત સાપ કરડવાથી થયું છે.

આ કેસમાં વળાંક ત્યારે આવ્યો જ્યારે થાણા પ્રભારી દારોગા ઈંદુ વર્મા ઘટનાસ્થળે પહોંચ્યા. મૃતદેહની હાલત જોઈને તેમને મૃત્યુના કારણ અંગે શંકા ગઈ અને તેમણે પોસ્ટમોર્ટમ કરાવવાનું કહ્યું. આ સાંભળીને રવિતા ડરી ગઈ અને તેણે પોસ્ટમોર્ટમનો વિરોધ કર્યો. તેના સાસરિયાઓ પણ વિરોધ કરવા લાગ્યા. છતાં ઈંદુ વર્માએ મચક ન આપી અને પોસ્ટમોર્ટમ કરાવ્યું. રિપોર્ટમાં સ્પષ્ટ થઈ ગયું કે અમિતનું મોત સાપ કરડવાથી નહીં, પરંતુ ગળું દબાવવાથી થયું હતું. પોલીસની આકરી પૂછપરછમાં રવિતા ભાંગી પડી અને પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને જેલમાં ધકેલી દીધા.

આ કેસની સુનાવણી લગભગ દોઢ વર્ષ સુધી ચાલી. આ દરમિયાન 86 સુનાવણીઓ થઈ અને 12 સાક્ષીઓની જુબાની લેવામાં આવી. ફરિયાદ પક્ષ તરફથી સરકારી વકીલોએ મજબૂત દલીલો કરી અને દેશના પ્રખ્યાત શબનમ હત્યા કેસ તથા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓનો સંદર્ભ આપીને આરોપીઓ પ્રત્યે કોઈ ઉદારતા ન દાખવવાની અપીલ કરી. 7 ઓક્ટોબરે કોર્ટે બંનેને દોષિત જાહેર કર્યા હતા. 16 ઓક્ટોબર, શુક્રવારના રોજ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ચુકાદો આપવામાં આવ્યો. ન્યાયાધીશે આ કેસને 'દુર્લભમાં દુર્લભ' ગણાવીને બંને આરોપીઓને ફાંસીની સજા ફટકારી. ચુકાદો આપતી વખતે કોર્ટે ભાવનાત્મક ટિપ્પણી કરતાં કહ્યું કે આ કેસ સમાજ માટે ચેતવણીરૂપ છે.