મેરઠના ચર્ચિત 'બ્લુ ડ્રમ મર્ડર કેસ'માં કોર્ટે મોટો ચૂકાદો આપ્યો છે. પતિ સૌરભ રાજપૂતની હત્યા કરનાર તેની પત્ની મુસ્કાન રસ્તોગી અને તેના પ્રેમી સાહિલને દોષિત ઠેરવવામાં આવ્યા છે. ડિસ્ટ્રિક્ટ જજ અરવિંદ કુમાર મિશ્રાએ આ નિર્ણય સંભળાવ્યો હતો. સજાની જાહેરાત 14 ઓક્ટોબરે કરવામાં આવશે.
આ કેસમાં જુલાઈ 2025માં ટ્રાયલ શરૂ થયો હતો અને લગભગ 13 મહિના સુધી કોર્ટમાં દલીલો ચાલી. અંદાજે 126 તારીખ દરમિયાન 22થી વધુ સાક્ષીઓના નિવેદન નોંધવામાં આવ્યા. સૌરભ રાજપૂતના પરિવારે બંને આરોપીઓને ફાંસીની સજા આપવાની માંગ કરી છે.
શું છે સમગ્ર ઘટના?
3 માર્ચ 2025ના રોજ મુસ્કાને તેના પ્રેમી સાહિલ સાથે મળીને પતિ સૌરભની હત્યા કરી હતી. બીજા દિવસે એટલે કે 4 માર્ચે લાશના 15 ટુકડા કરીને વાદળી ડ્રમમાં નાખી દીધા હતા. 5 માર્ચે હત્યા પછી મુસ્કાન અને સાહિલ શિમલા ફરવા નીકળી ગયા હતા.
હત્યાના 13 દિવસ પછી એટલે કે 16 માર્ચે પોલીસને મુસ્કાન અને સાહિલ સામે પુરાવા મળ્યા. 17 માર્ચે પોલીસે વાદળી ડ્રમમાંથી સૌરભનો ટુકડાઓમાં વહેંચાયેલો મૃતદેહ રિકવર કર્યો. 19 માર્ચે પોલીસે બંનેને કોર્ટમાં રજૂ કર્યા બાદ જેલમાં મોકલી દીધા.
મળતી માહિતી મુજબ, મુસ્કાન અને સાહિલે જેલમાંથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા નિર્ણય સાંભળવાની વિનંતી કરી હતી. મુસ્કાન જેલમાં શિવજીની પૂજા કરી રહી હતી, જ્યારે સાહિલે કેદીઓ સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું હતું.
સરકારી વકીલ ટીમના સભ્ય અભિષેક ચોરસિયાએ જણાવ્યું કે, મુસ્કાન અને સાહિલ સામે તમામ પુરાવા હતા. કોર્ટમાં બચાવનો આધાર તેમની પુત્રી છે, જેના કારણે સજા ઓછી કરાવવાની માંગ કરવામાં આવી છે.