જન્માષ્ટમીના પવિત્ર અવસરે ભગવાન કૃષ્ણના જન્મની ઉજવણી થાય છે. આ તહેવાર ભક્તિકાળના જાણીતા કવયિત્રી અને શ્રીકૃષ્ણની પરમ ભક્ત મીરાંબાઈની ગાઢ ભક્તિને પણ યાદ કરાવે છે.
ઈતિહાસકારો અને પરંપરાગત દસ્તાવેજો અનુસાર, મીરાંબાઈ બાળપણમાં જે કૃષ્ણ મૂર્તિની પૂજા કરતાં હતાં, તે મૂર્તિ આજે રાજસ્થાનના પાલી જિલ્લાના ઘાણેરાવ મહેલના મંદિરમાં સુરક્ષિત છે. આ મૂર્તિ 'મુરલીધર જી' તરીકે ઓળખાય છે.
માન્યતા અનુસાર, મીરાંબાઈએ 1516માં લગ્ન બાદ આ મૂર્તિને પોતાની સાથે ચિત્તોડગઢ લઈ ગયાં. બાદમાં જ્યારે તેમણે શાહી જીવન છોડી ત્યાગનો માર્ગ અપનાવ્યો, ત્યારે મૂર્તિ તેમના પિતરાઈ ભાઈ ઠાકુર પ્રતાપ સિંહને સોંપી દીધી. પ્રતાપ સિંહનો પરિવાર તેને ઘાણેરાવ લઈ આવ્યો.
આ મૂર્તિ કાળા આરસપહાણની બનેલી છે અને લગભગ 14 ઈંચ ઊંચી છે. એવું કહેવાય છે કે તે આશરે 500 વર્ષ જૂની છે. ઘાણેરાવ મહેલ અરાવલી પર્વતમાળાની તળેટીમાં આવેલો છે અને મેવાડી તથા મારવાડી સ્થાપત્ય શૈલીનું ઉત્તમ ઉદાહરણ છે. આ મહેલનું નિર્માણ ઠાકુર ગોપાલદાસે 1606માં કરાવ્યું હતું.
આજે ઘાણેરાવ મહેલ હેરિટેજ હોટેલમાં પરિવર્તિત થઈ ગયો છે. જેઓ આ ઐતિહાસિક સ્થળની મુલાકાત લેવા ઈચ્છે છે, તેમના માટે અહીં રોકાણના વિવિધ વિકલ્પો ઉપલબ્ધ છે.