છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુકરદા ગામે આવેલા કુદરતી ધોધ પર ફરવા ગયેલા રાજપીપળા મેડિકલ કોલેજના 6-7 વિદ્યાર્થીઓના ગ્રુપ માટે આનંદની ક્ષણો શોકમાં ફેરવાઈ ગઈ. ધોધના ઊંડા પાણીમાં નહાવા પડેલા જયપુરના રાહુલ પુનિયાનું ડૂબી જવાથી મોત નીપજ્યું.
મળતી માહિતી મુજબ, રાજપીપળા મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું ગ્રુપ રજાની મજા માણવા અને ફરવા માટે નસવાડીના કુકરદા ગામે આવેલા ધોધ ખાતે પહોંચ્યું હતું. દરમિયાન, મૂળ રાજસ્થાનના જયપુરના વતની રાહુલ પુનિયા ધોધના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. સાથી મિત્રોએ બૂમાબૂમ કરતાં જ સ્થાનિક ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ગ્રામજનોની કલાકોની ભારે મહેનત બાદ રાહુલનો મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.
ઘટનાની જાણ થતાં જ 108 ઇમરજન્સી સેવા ઘટનાસ્થળે જવા રવાના થઈ હતી. જોકે, કુકરદા ધોધ તરફ જવાનો રસ્તો દુર્ગમ હોવાના કારણે 108ના કર્મચારીઓએ ફરજ નિભાવીને આશરે 2 કિલોમીટર સુધી પગપાળા ચાલીને ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યારબાદ સ્થાનિકોની મદદથી વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નસવાડી સી.એચ.સી. ખાતે ખસેડવામાં આવ્યો હતો.
રાજસ્થાનથી ગુજરાતમાં તબીબ બનવાનું સપનું લઈને આવેલા યુવાન વિદ્યાર્થીના અકસ્માતે મોતને કારણે પરિવારજનો અને સાથે ભણતા વિદ્યાર્થીઓમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટના અંગે પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરી છે.