વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સમાં અમેરિકાની મિડ-ટર્મ ચૂંટણી, બાંગ્લાદેશનાં પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પાસપોર્ટનો મુદ્દો, રશિયા-યુક્રેન યુદ્ધ, સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં જહાજોની સુરક્ષા, નેપાળના વડાપ્રધાનની ભારત મુલાકાત, ઢાકાની ઝૂંપડપટ્ટીને દિલ્હી તરીકે દર્શાવતા ચીની વ્લોગર્સના વિવાદ અને ક્વાડ સમિટ સહિત સાત મુદ્દે ભારતનું સત્તાવાર વલણ સ્પષ્ટ કર્યું હતું.
1. અમેરિકાની મિડ-ટર્મ ચૂંટણી અને ભારત-અમેરિકા સંબંધો
અમેરિકામાં યોજાયેલી મિડ-ટર્મ ચૂંટણી અંગે જાયસવાલે કહ્યું કે, “અમેરિકામાં યોજાયેલી મિડ-ટર્મ ચૂંટણી ત્યાંની આંતરિક બાબત છે અને તેનાથી નવી દિલ્હી તથા વોશિંગ્ટનના સંબંધો પર કોઈ અસર પડવાની શક્યતા નથી.” તેમણે ઉમેર્યું કે ભારત-અમેરિકા ભાગીદારીને વોશિંગ્ટનમાં મજબૂત દ્વિપક્ષીય સમર્થન છે અને બંને દેશો આ સંબંધોને વધુ મજબૂત કરવા પ્રતિબદ્ધ છે.
2. શેખ હસીનાના પાસપોર્ટની અરજી
બાંગ્લાદેશનાં પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પાસપોર્ટ અરજી અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં જાયસવાલે સ્પષ્ટતા કરી કે, “આ સવાલ બાંગ્લાદેશ હાઈ કમિશનને પૂછવો વધુ યોગ્ય રહેશે, કારણ કે તેઓ આ અંગે વધુ સચોટ માહિતી આપી શકશે.”
3. રશિયા-યુક્રેન સંઘર્ષ અને વડાપ્રધાન મોદીની પહેલ
રશિયા-યુક્રેન યુદ્ધ પર વાતચીત અને રાજદ્વારી સંબંધોને જ એકમાત્ર ઉકેલ ગણાવતા જાયસવાલે કહ્યું કે, “ગઈકાલે વડાપ્રધાન મોદીએ યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ સાથે વાતચીત કરી હતી. બંને નેતાઓએ પોતાના દ્રષ્ટિકોણ, માનવીય સંકટ અને આ સંઘર્ષનો અંત લાવવાના વિચારો પર ચર્ચા કરી. વડાપ્રધાને ભારપૂર્વક જણાવ્યું કે ભારત આ સંઘર્ષનો અંત લાવવામાં મદદ કરવા તૈયાર છે.” તેમણે ઉમેર્યું કે ભારત બંને દેશો સાથે સતત સંપર્કમાં છે.
4. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં સુરક્ષિત અવરજવરની માંગ
હોર્મુઝ જળડમરૂમધ્યમાં જહાજોની સલામતી અંગે જાયસવાલે કહ્યું કે, “અમે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં સુરક્ષિત, મુક્ત અને કોઈપણ અડચણ વિનાની અવરજવરની માંગ સતત કરતા આવ્યા છીએ. અમે તમામ સંબંધિત પક્ષોના સંપર્કમાં છીએ જેથી સામાન્ય નાગરિક જહાજો અને નાવિકો પર હુમલા ન થાય. જેમાં ભારતીય ધ્વજ ધરાવતા જહાજો અને ભારતીય નાવિકો પણ સામેલ છે.”
5. નેપાળના વડાપ્રધાનની ભારત મુલાકાત
નેપાળના વડાપ્રધાનના પ્રવાસ સંદર્ભે જાયસવાલે જણાવ્યું કે, “ભારતે નેપાળના વડાપ્રધાનને ભારત મુલાકાતનું આમંત્રણ મોકલ્યું છે. યાત્રાની તારીખો અંગે હાલ વાતચીત ચાલી રહી છે અને તારીખો નક્કી થતાં જ તેની સત્તાવાર માહિતી આપવામાં આવશે. બંને દેશો વચ્ચે મજબૂત અને વ્યાપક સંબંધો છે, જેથી પરસ્પર હિતના અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થશે.”
6. ઢાકાની ઝૂંપડપટ્ટીના વાયરલ વિડીયો અને ચીની વ્લોગર્સ
ઢાકાની ઝૂંપડપટ્ટીને દિલ્હી તરીકે દર્શાવતા ચીની વ્લોગર્સના લાઈવસ્ટ્રીમિંગ અંગે જાયસવાલે કહ્યું કે, “અમે આ સંદર્ભે મીડિયા અહેવાલો જોયા છે. કોઈ દેશની ખોટી છબી રજૂ કરવાના આવા પ્રયાસો દુર્ભાગ્યપૂર્ણ છે. જ્યાં સુધી ઢાકાને દિલ્હી તરીકે દર્શાવવા માટે બહારના લોકોને નાણાં આપીને ઉપયોગ કરવાની વાત છે, તો આવા ખોટા નેરેટિવ ફેલાવવાથી ફક્ત એ લોકોની વિશ્વસનીયતા ઘટે છે જે આવું કરી રહ્યા છે અને જે લોકો આની પાછળ છે. હું સંબંધિત અધિકારીઓને વિનંતી કરીશ કે તેઓ આવા લોકો સામે કાર્યવાહી કરે.”
7. ક્વાડ સમિટ અને ઉચ્ચ-સ્તરીય બેઠકો
ક્વાડ સંબંધિત પ્રશ્ન પર જાયસવાલે નિવેદન આપતાં કહ્યું કે, “તાજેતરમાં તમે જોયું હશે કે ક્વાડ સમિટ અંતર્ગત ઘણી ઉચ્ચ-સ્તરીય બેઠકો યોજાઈ છે.”