સત્ય. સાહસ. સંકલ્પ.

માયા રાજેશ્વરન ચેન્નઈ ઓપન ક્વાર્ટર ફાઇનલમાં, સાનિયા પછી પ્રથમ ભારતીય

માયા રાજેશ્વરન ચેન્નઈ ઓપન ક્વાર્ટર ફાઇનલમાં, સાનિયા પછી પ્રથમ ભારતીય

ચેન્નઈ: ૧૭ વર્ષીય માયા રાજેશ્વરને રેવતી ચેન્નઈ ઓપન ટેનિસ ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. તે ૧૪ વર્ષ બાદ WTA ટૂર-સ્તરની સિંગલ્સ ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી છે. આ પહેલાં ૨૦૧૨માં સાનિયા મિર્ઝાએ પટાયા ઓપનમાં આ સિદ્ધિ મેળવી હતી.

બુધવારે રાઉન્ડ ઑફ-૧૬માં માયાએ પોલેન્ડની વેરોનિકા ફાલ્કોવસ્કાને ૬-૪, ૬-૩થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન પક્કું કર્યું.

મેચની શરૂઆત માયા માટે સારી રહી નહોતી. તેણે ડબલ ફોલ્ટ સાથે શરૂઆત કરી અને પોતાની સર્વિસ ગુમાવી દીધી. જોકે તરત જ તેણે ફાલ્કોવસ્કાની સર્વિસ તોડીને કમબેક કર્યું. પ્રથમ સેટમાં સતત પાંચ ગેમમાં સર્વિસ બ્રેક થયા. ફાલ્કોવસ્કાએ ૪-૨ની સરસાઈ મેળવી હતી, પણ માયાએ સતત બે ગેમ જીતીને ૪-૪ કર્યું અને પછી પોતાની સર્વિસ જાળવીને ૫-૪ની આગેવાની લીધી. દસમી ગેમમાં ફાલ્કોવસ્કાએ બે ડબલ ફોલ્ટ કર્યા અને એક ફોરહેન્ડ શોટ બહાર માર્યો, જેનાથી માયાને સેટ જીતવાની બે તકો મળી. તેણે બીજા સેટ પોઇન્ટ પર પહેલો સેટ ૬-૪થી જીતી લીધો.

બીજા સેટમાં ફાલ્કોવસ્કાએ વધુ આક્રમક રમવાનો પ્રયાસ કર્યો, પરંતુ માયાએ પોતાની લય જાળવી રાખી. આઠમી ગેમમાં તેણે ફાલ્કોવસ્કાની સર્વિસ તોડીને ૫-૩ની સરસાઈ મેળવી. ત્યારબાદ માયા સર્વ કરવા ઉતરી, પણ જીત માટે ત્રણ મેચ પોઇન્ટની રાહ જોવી પડી. છેવટે ત્રીજા મેચ પોઇન્ટ પર ફાલ્કોવસ્કાનો ફોરહેન્ડ શોટ નેટમાં જતો રહ્યો અને માયાએ બીજો સેટ ૬-૩થી જીતીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો.

આ સીઝન માયા માટે શાનદાર રહી છે. ઑક્ટોબરમાં તેણે પોર્ટુગલના લાગોસમાં પોતાનું પ્રથમ W35 સિંગલ્સ ટાઇટલ જીત્યું હતું. તેણે ક્વોલિફાઇંગ રાઉન્ડથી શરૂઆત કરી અને સમગ્ર ટુર્નામેન્ટમાં એક પણ સેટ ગુમાવ્યા વિના ટાઇટલ જીત્યું. તેણે યુક્રેનની યેલિઝાવેટા કોટલિયાર સાથે ડબલ્સનું ટાઇટલ પણ જીત્યું હતું. પ્રોફેશનલ સિંગલ્સ ટાઇટલ જીતનારી તે સાનિયા મિર્ઝા પછી સૌથી નાની વયની ભારતીય ખેલાડી બની હતી.

માયાએ તાજેતરમાં પોતાની ટ્રેનિંગ એકેડમી બદલી છે. તેણે સ્પેનની રાફા નડાલ એકેડમી છોડીને દક્ષિણ ફ્રાન્સના એલિટ ટેનિસ સેન્ટરમાં પ્રેક્ટિસ શરૂ કરી છે.