સત્ય. સાહસ. સંકલ્પ.

પાટીદાર સમાજમાં 40 વર્ષથી વધુ ઉંમરના અપરિણીત યુવાનો અંગે મથુર સવાણીની સલાહ: 'વાંઢા' લિસ્ટમાંથી નામ કાઢી દેશસેવા કરો

પાટીદાર સમાજમાં 40 વર્ષથી વધુ ઉંમરના અપરિણીત યુવાનો અંગે મથુર સવાણીની સલાહ: 'વાંઢા' લિસ્ટમાંથી નામ કાઢી દેશસેવા કરો

સુરત: સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ સંચાલિત સમાધાન પંચની જાહેરાત સંદર્ભે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં પદ્મશ્રી મથુર સવાણીએ પાટીદાર સમાજમાં કન્યાઓની ઘટ અને અપરિણીત યુવાનોની સમસ્યા અંગે નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, 1970ના દાયકામાં શરૂ થયેલા કુટુંબ નિયોજન કાર્યક્રમ બાદ સમાજમાં જાતિગત અસંતુલનની શરૂઆત થઈ હતી.

મથુર સવાણીએ કહ્યું કે, દીકરાની ઘેલછામાં પરિવારોએ દીકરીઓ જન્મ્યા બાદ પણ સંતાન પ્રાપ્તિના પ્રયાસો ચાલુ રાખ્યા, જ્યારે દીકરાના જન્મ પછી ઓપરેશન કરાવી લીધા. આ માનસિકતા અને ત્યારપછી સોનોગ્રાફી તથા ભ્રૂણહત્યાના કારણે રાજ્યમાં ભારે અસમતુલા ઊભી થઈ હતી. તેમણે આંકડા ટાંકતા ઉમેર્યું કે, જ્યારે આ અંગે જાગૃતિ અભિયાન શરૂ કરાયું ત્યારે છોકરાઓની સરખામણીએ ગુજરાતમાં આશરે 14 લાખ દીકરીઓ ઓછી જન્મી હતી.

તેમણે વધુમાં જણાવ્યું કે, 2003થી સમાજમાં વ્યાપક લોકજાગૃતિ લાવવાના સતત પ્રયાસો કરવામાં આવ્યા, જેના પરિણામે ઘણા યુવાનોને જીવનસાથી મળ્યા. પરંતુ વાસ્તવિકતા એ છે કે આ કોઈ ફેક્ટરીમાં બનતો માલ નથી કે તાત્કાલિક ઘટ પૂરી કરી શકાય. તેથી હવે જે યુવાનોની ઉંમર 40 વર્ષથી વધુ થઈ ગઈ છે, તેમને વાસ્તવિકતા સ્વીકારવાની જરૂર છે.

40 પ્લસ ઉંમરના અપરિણીત યુવાનોને અનુરોધ કરતાં તેમણે કહ્યું કે, હવે તમારે પોતાનું નામ 'વાંઢા'ના લિસ્ટમાં રાખવાની જરૂર નથી. આપણા દેશમાં એવા અનેક મહાન રાજનેતાઓ થયા છે, જેમણે આજીવન લગ્ન નથી કર્યા અને પોતાનું સમગ્ર જીવન દેશ અને સમાજ માટે અર્પણ કરી દીધું. તમે પણ અટલ બિહારી વાજપેયી, રાહુલ ગાંધી કે શક્તિસિંહ ગોહિલ જેવા નેતાઓનું ઉદાહરણ લઈ પોતાની જાતને દેશસેવા માટે સમર્પિત કરો. અંતમાં તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, હવે સમાજે આવા વ્યક્તિઓને માનસિક રીતે મજબૂત કરવાના અને તેમને સકારાત્મક દિશા આપવાના કાર્યક્રમો યોજવા જોઈએ.

કોણ છે મથુર સવાણી?

મથુર સવાણીનો જન્મ બોટાદના ખોપાળામાં થયો હતો. 1980માં સુરતને કર્મભૂમિ બનાવી હીરામાં ઝંપલાવ્યું હતું. તેમણે સવાણી બ્રધર્સ અને સવાણી જ્વેલરી જેવી ફર્મ શરૂ કરી હતી. 1998માં પાણીની હાડમારી જોઇ અને તેમણે સમગ્ર રાજ્યમાં પાણીની સમસ્યાના નિરાકરણ માટે શું થઇ શકે છે એ દિશામાં વિચારવાનું શરૂ કર્યું. તેમણે 1999-2000માં સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટની સ્થાપના કરી હતી. સુરતથી સૌરાષ્ટ્રમાં કુલ 285 પ્રવાસોનું આયોજન કરીને 1270 દિવસ જળ સંચય માટે જાગૃતિ આવે તે માટે કાર્ય કર્યું છે. આ ઉપરાંત તલગાજરડાથી પોરબંદર સુધી હજાર કાર્યકરો સાથે 325 કિમીની પદયાત્રા કરી હતી. જળ સંચય જેવી કામગીરી માટે તેમને પદ્મશ્રી સન્માન પણ આપવામાં આવ્યું હતું.

રાજ્યમાં સ્ત્રી ભ્રુણ હત્યા પ્રત્યે લોક જાગૃતિ આવે તે માટે સુરતમાંથી બેટી બચાવો અભિયાનનો પ્રારંભ કરાવી કામરેજ ખાતે વિશાળ સંમેલનનું આયોજન કર્યું હતું. સુરતથી સોમનાથ સુધી સર્વ સમાજ બેટી બચાવો જન જાગૃતિ કાર યાત્રા કાઢી હતી, તેમાં 300 કારમાં 1200 લોકો જોડાયા હતા. આ સિવાય 2014માં સમગ્ર દેશના પાટીદારોનું સંમેલન સુરતમાં બોલાવીને ઓડિશામાં કુર્મિ (પટેલ) સમાજની 5 દીકરીઓના લગ્ન કરાવી પાટીદારો વચ્ચે રોટી બેટીનો વ્યવહાર શરૂ કરાવ્યો હતો.