સત્ય. સાહસ. સંકલ્પ.

ગ્રીન ટી vs માચા: વજન ઘટાડવા માટે કઈ ચા વધુ અસરકારક? જાણો તફાવત

ગ્રીન ટી vs માચા: વજન ઘટાડવા માટે કઈ ચા વધુ અસરકારક? જાણો તફાવત

વજન ઘટાડવા માટે લોકો વર્ષોથી ગ્રીન ટી પીવે છે. પણ છેલ્લા કેટલાક સમયથી ફિટનેસપ્રેમીઓમાં ‘માચા ટી’નો પણ જબરો ક્રેઝ વધ્યો છે. માચા મૂળ જાપાનની ચા છે. પહેલાં તે સેલિબ્રિટીઝ પૂરતી મર્યાદિત હતી, પણ સોશિયલ મીડિયાના ટ્રેન્ડ પછી હવે સામાન્ય લોકો પણ તેને પોતાની દિનચર્યામાં સામેલ કરી રહ્યા છે.

રસપ્રદ વાત એ છે કે માચા અને ગ્રીન ટી બંને ‘કેમેલિયા સાઇનેન્સિસ’ (Camellia sinensis) નામના એક જ છોડના પાંદડાંમાંથી બનાવવામાં આવે છે. તેમ છતાં દેખાવ, સ્વાદ અને ગુણધર્મોમાં બંને વચ્ચે મોટો ફરક છે. ચાલો જાણીએ કે આ તફાવત કઈ રીતે ઊભો થાય છે.

ખેતી અને લણણીમાં તફાવત: ગ્રીન ટીના છોડ સામાન્ય સૂર્યપ્રકાશમાં ઉગાડવામાં આવે છે. જ્યારે માચાના પાંદડાં લણવાના થોડા અઠવાડિયા પહેલાં છોડને છાંયડાથી ઢાંકી દેવામાં આવે છે. સીધો તડકો ન મળવાથી પાંદડાંમાં ક્લોરોફિલ અને એમિનો એસિડનું પ્રમાણ ઘણું વધી જાય છે. એટલે જ માચાના પાંદડાં ઘાટા લીલા રંગનાં બને છે.

પ્રોસેસિંગ અને પીસવાની પદ્ધતિ: ગ્રીન ટીના પાંદડાંને સૂકવીને સીધા પેક કરી દેવામાં આવે છે અથવા ટી-બેગ બનાવવામાં આવે છે. માચામાં સૂકવેલા પાંદડાં (તેંચા)માંથી નસો અને દાંડલીઓ દૂર કરવામાં આવે છે. પછી તેને પથ્થરની ઘંટીમાં ધીમે-ધીમે દળીને અત્યંત ઝીણો, રેશમી અને મુલાયમ પાઉડર બનાવવામાં આવે છે.

પોષક તત્ત્વો અને ગુણધર્મો: ઉછેર અને પ્રોસેસિંગની રીત અલગ હોવાથી બંનેના ગુણોમાં પણ ફરક પડે છે. છાંયડામાં ઉછેરવાને કારણે માચા ટીમાં કેફીનનું પ્રમાણ ગ્રીન ટી કરતાં વધારે હોય છે. સાથે જ તેમાં ‘એલ-થીનાઇન’ (L-theanine) નામનું એમિનો એસિડ પણ ભરપૂર માત્રામાં હોય છે. આ એસિડ કેફીનની નકારાત્મક અસરોને સંતુલિત કરવામાં મદદ કરે છે અને મનને શાંત તથા એકાગ્ર રાખવામાં મદદ કરે છે. ગ્રીન ટીમાં પણ કેફીન અને એલ-થીનાઇન હોય છે, પણ તેનું પ્રમાણ માચા કરતાં ઓછું હોય છે.

બનાવવાની અને પીવાની રીતમાં ફરક: ગ્રીન ટીને સામાન્ય રીતે ગરમ પાણીમાં પલાળીને માત્ર તેનું પાણી પીવામાં આવે છે અને પાંદડાં ફેંકી દેવાય છે. માચા બનાવવાની ખાસ રીત છે. તેને એક બાઉલમાં લઈ, વાંસના ખાસ વ્હિસ્ક (Whisk) વડે ગરમ પાણી સાથે ફીણ વળે ત્યાં સુધી ફેંટવામાં આવે છે, જેથી ગાંઠો ન રહે. આખી પત્તીનો પાઉડર શરીરમાં જતો હોવાથી માચા વધુ પોષણ આપે છે. આજકાલ લોકો દૂધ ઉમેરીને માચા લાટે (Matcha Latte) પણ પસંદ કરે છે.

ડિસ્ક્લેમર: આ સમાચાર સામાન્ય માહિતી પર આધારિત છે. વધુ માહિતી માટે તમારા ડૉક્ટરની સલાહ લો.