સત્ય. સાહસ. સંકલ્પ.

માતર-તારાપુર હાઈવે પર ઈકો-રિક્ષા ટક્કર, ત્રણના મોત, ચાર ગંભીર ઈજાગ્રસ્ત

માતર-તારાપુર હાઈવે પર ઈકો-રિક્ષા ટક્કર, ત્રણના મોત, ચાર ગંભીર ઈજાગ્રસ્ત

ખેડા જિલ્લાના માતર તાલુકામાં માતર-તારાપુર હાઈવે પર આજે ગંભીર માર્ગ અકસ્માત થયો છે. ખોડિયાર ચોકડી પાસે ઝડપથી આવતી ઈકો કારે મુસાફરોથી ભરેલી રિક્ષાને ટક્કર મારતાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે ચાર લોકોને ગંભીર ઈજાઓ થઈ છે.

પ્રાથમિક માહિતી મુજબ, માતર-તારાપુર રોડ પર વાહનવ્યવહાર ચાલુ હતો તે દરમિયાન ખોડિયાર ચોકડી પાસે ઈકો કારનો ચાલક ઝડપથી અને બેદરકારીપૂર્વક વાહન હંકારી રહ્યો હતો. અચાનક સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતાં તેની કાર સામેથી આવતી પેસેન્જર રિક્ષા સાથે ટકરાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષાનો ભાગ વિખરાઈ ગયો અને તેમાં બેઠેલા મુસાફરો ફંગોળાયા હતા. ગંભીર ઈજાઓના કારણે ત્રણ મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના રહીશો અને પસાર થતા વાહનચાલકો દોડી આવ્યા હતા. લોકોએ રિક્ષામાં ફસાયેલા ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા. 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા અને માતર પોલીસને જાણ કરતાં ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં ચારેય ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે ખેડા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તબીબો તેમની સારવાર કરી રહ્યા છે અને તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

અકસ્માતના સમાચાર ફેલાતાં સ્થાનિક ધારાસભ્ય કલ્પેશ પરમાર ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે ઘટનાસ્થળની સ્થિતિ જોઈ અને ખેડા સિવિલ હોસ્પિટલ જઈને ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી. તેમણે ફરજ પરના તબીબો સાથે ચર્ચા કરીને દર્દીઓને ઝડપી અને શ્રેષ્ઠ તબીબી સુવિધા પૂરી પાડવા સૂચનાઓ આપી હતી.

અકસ્માત બાદ માતર-તારાપુર રોડ પર લોકોના ટોળાં ભેગાં થતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો અને ટ્રાફિક જામ થયો હતો. માતર પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનોને રોડ પરથી હટાવીને ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો.

પોલીસે ત્રણેય મૃતકોના મૃતદેહોનું પંચનામું કરીને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડ્યા છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. માતર પોલીસે ઈકો કારના ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધીને વાહનની ઝડપ, ચાલકની બેદરકારી અને અકસ્માતના ચોક્કસ કારણો જાણવા તપાસ શરૂ કરી છે. આ ઘટનાથી સમગ્ર માતર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.