સત્ય. સાહસ. સંકલ્પ.

ઈરાનનું મસૂલેહ ગામ: જ્યાં રસ્તા નથી, લોકો છત પરથી ચાલે છે

ઈરાનનું મસૂલેહ ગામ: જ્યાં રસ્તા નથી, લોકો છત પરથી ચાલે છે

ઈરાનમાં આવેલું મસૂલેહ ગામ વિશ્વભરમાં પોતાની અનોખી બનાવટ માટે જાણીતું છે. આ ગામની સૌથી મોટી ખાસિયત એ છે કે અહીં એક પણ રસ્તો નથી. લોકો એકબીજાના ઘરે જવા માટે ઘરોની છત પરથી પસાર થાય છે. એટલે કે એક ઘરની છત બીજા ઘર માટે રસ્તાનું કામ કરે છે.

આ ગામ લગભગ 800 થી 1000 વર્ષ જૂનું માનવામાં આવે છે. પાકિસ્તાનની ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર હાનિયા ઈબ્રાહિમે તાજેતરમાં આ ગામની મુલાકાત લીધી હતી. તેમણે બનાવેલો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

હાનિયાએ જણાવ્યું કે આ ગામની સૌથી મોટી ખાસિયત તેની બાંધણી છે. અહીં મકાનો પહાડોના ઢોળાવ સાથે સીડીની જેમ એક પછી એક બનાવવામાં આવ્યા છે. એટલે એક ઘરની છત પોતાની જાતે બીજા ઘરની સડક બની જાય છે.

આ ગામે આજે પણ પોતાનું મૂળ સ્વરૂપ જાળવી રાખ્યું છે. અહીં કોઈ વાહન ચાલતું નથી, ટ્રાફિકનો કોઈ અવાજ નથી. માત્ર પક્ષીઓના કલરવ સંભળાય છે. હવા એકદમ તાજી છે અને ગામનો દરેક ખૂણો કુદરતી સૌંદર્યથી ભરપૂર છે.

મસૂલેહ ગામ ફક્ત તેના દેખાવ માટે જ નહીં, પણ હસ્તકલા માટે પણ જાણીતું છે. વર્ષ 2007માં યુનેસ્કોએ આ ગામને વિશ્વ ધરોહર સ્થળની તેની તાત્કાલિક યાદીમાં સ્થાન આપ્યું હતું.

સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયા જોઈને જુદા જુદા પ્રતિભાવ આપી રહ્યા છે. કેટલાક લોકોએ જીવનમાં એક વાર આ ગામ જોવાનું નક્કી કર્યું છે. એક યુઝરે લખ્યું કે આ ખરેખર અનોખી જગ્યા છે અને એક દિવસ અહીં જરૂર આવશે. બીજા એક યુઝરે લખ્યું કે આ વીડિયો જોયા બાદ ઈરાનની સુંદરતા અને શાંતિ માટે માન થવા લાગ્યું છે. એક યુઝરે સવાલ કર્યો કે ઈરાનમાં યુદ્ધ જેવી સ્થિતિ હોવાના સમયે આવી સલામત યાત્રા કરી શકાય છે કે નહીં. અન્ય એક યુઝરે મજાકમાં લખ્યું કે જો કોઈ રોજ તેની છત પર ચાલે તો તે અવાજથી પાગલ થઈ જશે.