સત્ય. સાહસ. સંકલ્પ.

એડવાન્સ્ડ AI ખોટા હાથમાં જાય તો માનવજાત માટે મોટું જોખમ: સોનેની ચેતવણી

એડવાન્સ્ડ AI ખોટા હાથમાં જાય તો માનવજાત માટે મોટું જોખમ: સોનેની ચેતવણી

જાપાનના અબજોપતિ અને સોફ્ટબેન્ક ગ્રુપના સ્થાપક માસાયોશી સોને એઆઈ (કૃત્રિમ બુદ્ધિ) અંગે ગંભીર ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, શક્તિશાળી અને ઝડપથી વિકસતી એઆઈ સિસ્ટમ ખોટા હાથમાં જાય તો માનવજાત માટે અત્યંત જોખમી બની શકે છે. હવે કોઈ પણ દેશ એડવાન્સ્ડ એઆઈ સામે લડી શકે તેમ નથી, એટલે દેશોએ માણસ સામે માણસ લડવાનો વિચાર છોડીને સુપર ઈન્ટેલિજન્સ એઆઈ સામે એકજૂથ થઈને લડવાની તૈયારી કરવી પડશે.

માસાયોશી સોને જાપાનના ક્યોટોમાં યોજાયેલા 'સાયન્સ એન્ડ ટેક્નોલોજી ઈન સોસાયટી ફોરમ' કાર્યક્રમમાં આ વાત કહી. તેમણે કહ્યું કે એઆઈ ટેક્નોલોજીની ઝડપી અસરો સામે આંતરરાષ્ટ્રીય સહકાર વધારવો જરૂરી છે. એઆઈના વિકાસ માટે વર્ષો સુધી અબજો ડોલરનું ભંડોળ ફાળવનારા સોનેના વિચારોમાં આવેલો આ ફેરફાર નોંધપાત્ર છે.

માસાયોશીના નિર્દેશનથી સોફ્ટબેન્કે ચેટજીપીટી બનાવનારી કંપની ઓપનએઆઈમાં ૬૫ અબજ ડોલરનું રોકાણ કર્યું હતું. અત્યાર સુધી તેઓ એઆઈ માનવજીવનનું સ્તર સુધારવામાં મદદરૂપ થશે અને તેનું આર્થિક મૂલ્ય પ્રચંડ છે તેવી ભલામણ કરતા હતા. તાજેતરના મહિનાઓમાં એડવાન્સ્ડ એઆઈ મોડેલ્સ દ્વારા સુરક્ષા ભંગની ઘટનાઓ વધતાં સલામતી અંગેની ચિંતાઓ વચ્ચે તેમણે આ ચેતવણી આપી છે.

આ જ કાર્યક્રમમાં અમેરિકાના વ્હાઈટ હાઉસના ઓફિસ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી પોલિસીના નિર્દેશક માઈકલ ક્રેટસિઓસે 'ક્યોટો વિઝન ફોર અ ગોલ્ડન એજ ઓફ સાયન્સ' નામનો દસ્તાવેજ રજૂ કર્યો. આ દસ્તાવેજમાં સુપર ઈન્ટેલિજન્સને વિજ્ઞાનના હથિયાર તરીકે દર્શાવવામાં આવ્યું છે. જર્મની, ગ્રીસ, ઈટાલી, જાપાન અને અમેરિકા સહિત ૧૭ દેશોએ આ દસ્તાવેજને સમર્થન આપ્યું છે.