ઓલિમ્પિક મેડલ વિજેતા બોક્સર મેરી કોમ વિરુદ્ધ તેમના પૂર્વ પતિ કરુંગ ઓંખોલેરે માનહાનિની ફરિયાદ નોંધાવી છે. તેમનો આરોપ છે કે મેરી કોમે એક ટીવી ઇન્ટરવ્યુમાં તેમની છબીને નુકસાન પહોંચાડતી ટિપ્પણીઓ કરી હતી.
આ ફરિયાદ 6 ઓક્ટોબરે દિલ્હીની સાકેત કોર્ટમાં નોંધાવવામાં આવી હતી. મામલો જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ શિવમ ગુપ્તાની અદાલતમાં પ્રી-સમનિંગ એવિડન્સના તબક્કામાં છે. કોર્ટ 19 નવેમ્બરે આ મામલે સુનાવણી કરશે.
ફરિયાદ મુજબ, 11 જાન્યુઆરી 2026ના રોજ પ્રસારિત થયેલો ઇન્ટરવ્યૂ દેશભરમાં લાખો દર્શકો સુધી પહોંચ્યો હતો. ઓંખોલેરનો દાવો છે કે મેરી કોમની ટિપ્પણીઓથી તેમની છબી બેઈમાન, બેવફા અને દારૂડિયા વ્યક્તિ તરીકે રજૂ થઈ.
તેમણે એવો પણ આરોપ મૂક્યો કે ઇન્ટરવ્યૂમાં તેમના વિશે એવી ધારણા ઊભી કરવામાં આવી કે તેમણે મેરી કોમના બેંક ખાતાઓમાંથી પૈસાનો દુરુપયોગ કર્યો. તેમજ બાળકો પ્રત્યેની પોતાની જવાબદારીઓ છોડી દીધી.
ઓંખોલેરે કહ્યું કે મેરી કોમની બોક્સિંગ કારકિર્દીને આગળ વધારવા માટે તેમણે પોતાની વ્યાવસાયિક મહત્ત્વાકાંક્ષાઓને પાછળ રાખી હતી. તેમનો દાવો છે કે મેરી કોમ બોક્સિંગ એકેડમીનો પાયો નાખવામાં પણ તેમની ભૂમિકા રહી હતી. જોકે ત્યારબાદ તેમને ‘ઉપયોગ કરીને ફેંકી દેવા’ જેવી રીતે બહાર કરી દેવામાં આવ્યા.
બાળકોના ઉછેર અંગે ઓંખોલેરે કહ્યું કે ભલે મેરી કોમ તેમના અભ્યાસનો ખર્ચ ઉઠાવી રહી હોય, પરંતુ બાળકોના ઉછેરમાં તેમની પણ સમાન ભૂમિકા રહી છે. તેમણે દારૂ પીવા સંબંધિત આરોપોને વધારીને રજૂ કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું. સાથે જ કહ્યું કે તેમણે અંગત વાતોને ક્યારેય મીડિયામાં જાહેર કરી નથી.
ફરિયાદ મુજબ, મેરી કોમ અને કરુંગ ઓંખોલેરનાં લગ્ન 12 માર્ચ 2005ના રોજ થયાં હતાં. બંને ફરીદાબાદમાં સાથે રહેતાં હતાં. ઓંખોલેરે જણાવ્યું કે 20 ડિસેમ્બર 2023ના રોજ પરંપરાગત રીતરિવાજો મુજબ તેમના લગ્નજીવનનો અંત આવ્યો હતો.
મામલામાં હાલ કોર્ટનો નિર્ણય આવ્યો નથી. 19 નવેમ્બરે યોજાનારી સુનાવણીમાં ફરિયાદી તરફથી રજૂ કરવામાં આવનારા પ્રાથમિક પુરાવાઓ પર આગળની કાર્યવાહી થશે.
મેરી કોમે એક ટીવી શોમાં ખુલાસો કર્યો હતો કે તેમણે 2023માં અલગ થવાનો નિર્ણય શા માટે લીધો હતો. કારણ કે ઓંખોલેરે તેમની બોક્સિંગ કારકિર્દીમાંથી થયેલી કમાણીમાં છેતરપિંડી કરી હતી. મેરીનો આરોપ છે કે ઓંખોલેરે તેમની જાણકારી વિના તેમના નામે લોન લીધી, સંપત્તિ ગિરવે મૂકી અને કેટલીક સંપત્તિઓ પોતાના નામે ટ્રાન્સફર કરી હતી. તેમને લાંબા સમય સુધી પોતાની આર્થિક સ્થિતિની જાણકારી નહોતી. તેમને ઈજા થયા બાદ સત્યની જાણ થઈ.
આ આરોપો અંગે ઓંખોલેરે કહ્યું, ‘તેનું (મેરી કોમ) કહેવું છે કે મેં 5 કરોડ રૂપિયા ચોરી કર્યા છે. મારું અકાઉન્ટ ચેક કરી લો. અમે 18 વર્ષ સુધી સાથે રહ્યા. આજે હું દિલ્હીમાં ભાડાના મકાનમાં રહું છું. તે એક સેલિબ્રિટી છે, જે કંઈ કહેશે, કેટલાક લોકો માનશે અને કેટલાક નહીં.’
મેરી કોમે 2012માં લંડનમાં યોજાયેલી ઓલિમ્પિક્સમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. આ ઉપરાંત 42 વર્ષની બોક્સરે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 6 ગોલ્ડ સહિત 8 મેડલ જીતી ચૂકી છે. તેઓ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 6 ગોલ્ડ જીતનારી દુનિયાની એકમાત્ર મહિલા બોક્સર છે. 2006માં તેમને પદ્મશ્રી, 2013માં પદ્મ ભૂષણ અને 2020માં પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવી ચૂક્યાં છે.
મેરી કોમે બોક્સિંગ કારકિર્દીની શરૂઆત 18 વર્ષની ઉંમરે સ્ક્રેન્ટન, પેન્સિલવેનિયામાં કરી હતી. ત્યાં પોતાની શાનદાર બોક્સિંગ ટેકનિકથી તેમણે સૌને પ્રભાવિત કર્યા અને 48 કિલોગ્રામ કેટેગરીની ફાઇનલમાં સ્થાન બનાવ્યું. ફાઇનલમાં તેઓ પાછળ રહી ગયાં, પરંતુ લોકોનાં દિલમાં સ્થાન બનાવવામાં સફળ રહ્યાં.
મેરી કોમ ઇન્ટરનેશનલ બોક્સિંગ એસોસિયેશન (IBA)ની મહિલા બોક્સિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યાં. તેમણે 2005, 2006, 2008 અને 2010માં વર્લ્ડ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો. 2008નો ખિતાબ જીત્યા બાદ, મેરી પોતાના જોડિયાં બાળકોને જન્મ આપ્યા પછી વિરામ પર ગયાં. 2012ના લંડન ઓલિમ્પિકમાં મેરી કોમે 51 કિલોગ્રામ કેટેગરીમાં કાંસ્ય ચંદ્રક જીત્યો.