રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં ફરી એક વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે. આજે ૨૫ સપ્ટેમ્બરે સવારે મૂળ આંધ્રપ્રદેશના વિદ્યાર્થી હેમંત ગંધમે યુનિવર્સિટીની બિલ્ડિંગના છઠ્ઠા માળેથી નીચે છલાંગ લગાવીને આપઘાત કરી લીધો હતો. આત્મહત્યા કરનાર વિદ્યાર્થી કમ્પ્યુટર સાયન્સ વિભાગનો હતો.
યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રાર નરેશ જાડેજાએ જણાવ્યું હતું કે, કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગના સેમેસ્ટર પાંચમાં ભણતા હેમંત ગંધમે છઠ્ઠા માળેથી ઝંપલાવીને આપઘાત કર્યો છે. આ વિદ્યાર્થી ભણવામાં નિયમિત હતો અને તેનો એક પણ બેકલોગ ન હતો. સીસીટીવી ફૂટેજ મુજબ, વિદ્યાર્થી કોલેજની બેગ લીધા વિના યુનિવર્સિટીમાં પ્રવેશ્યો હતો, સીધો છઠ્ઠા માળે પહોંચ્યો અને ત્યાંથી નીચે છલાંગ લગાવી દીધી હતી. શિક્ષણ સંબંધિત કોઈ પણ પ્રકારની સમસ્યા નથી. જોકે, પરિવાર અને મિત્રો સાથે વાતચીત કર્યા બાદ આગળની વિગતો જણાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ૧૯ સપ્ટેમ્બરે એટલે કે સાત દિવસ પહેલા જ મારવાડી યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલના એ વિંગના ૧૦મા માળેથી છલાંગ લગાવીને એક વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો હતો. તે મૂળ આંધ્રપ્રદેશની ૧૯ વર્ષીય અલ્લા વ્યંકટેશ સૌભર્નિકા હતી અને કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં એઆઈ આધારિત અભ્યાસ કરતી હતી.