સત્ય. સાહસ. સંકલ્પ.

મારવાડી યુનિવર્સિટીના વિદ્યાર્થીના પિતા રાહુલ ગાંધીને મળશે, આગામી સપ્તાહે સમય આપ્યો

મારવાડી યુનિવર્સિટીના વિદ્યાર્થીના પિતા રાહુલ ગાંધીને મળશે, આગામી સપ્તાહે સમય આપ્યો

રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં 25 સપ્ટેમ્બરે સવારે 8.10 વાગ્યે છઠ્ઠા માળેથી ઝંપલાવીને આત્મહત્યા કરનારા વિદ્યાર્થી હેમંત ગંધમના પિતા સીતારામે જણાવ્યું છે કે તેઓ ન્યાય માટે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને મળવાના છે. તેમને આગામી સપ્તાહે મળવાનો સમય પણ મળી ગયો છે.

હેમંતના પિતા સીતારામે ‘દિવ્ય ભાસ્કર’ સાથે વાત કરતાં કહ્યું કે તેઓ રેસ્ટોરન્ટનો બિઝનેસ કરે છે. તેમને બે દીકરા છે. મોટો દીકરો હેમંત મારવાડી યુનિવર્સિટીમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો અને નાનો દીકરો તેમની સાથે રહીને કોલેજના પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે.

તેમણે કહ્યું કે હેમંતે આત્મહત્યા કરી તેના પાંચ દિવસ પહેલા સાઉથની જ એક વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો હતો. આવા સમયે કોલેજે ગંભીરતા દાખવીને ખાસ કાળજી રાખવી જોઈએ. તેમણે ઉમેર્યું કે તેઓ આટલા દૂર છે અને તેમના ભરોસે બાળકોને ભણવા મોકલે છે, પરંતુ કોલેજ કે હોસ્ટેલ તરફથી કોઈ તકેદારી લેવામાં આવતી નથી.

સીતારામે જણાવ્યું કે તેમના દીકરાને કોઈ બીમારી નહોતી. જે સર્જરીની વાત કરવામાં આવે છે તે પાંચ-છ વર્ષ પહેલા કરવામાં આવી હતી. સપ્ટેમ્બરમાં ઘરેથી રાજકોટ જવા પહેલા તેનું ફુલ બોડી ચેકઅપ કરાવ્યું હતું, જેમાં સીટી સ્કેન અને MRI સહિતના તમામ રિપોર્ટ કરાવ્યા છે. ડોક્ટરે તબિયત સ્વસ્થ હોવાનું કહ્યા પછી જ તેને પરત ભણવા મોકલ્યો હતો. 10 સપ્ટેમ્બરે તેમણે કોલેજમાં ફોન કરીને જાણ કરી હતી કે તેમનો દીકરો ત્યાં પહોંચી ગયો છે.

તેમણે કહ્યું કે આત્મહત્યા કર્યા તે દિવસે સવારે 6 વાગ્યે તેમણે તબિયત પૂછવા ફોન કર્યો હતો. 6થી 6.30 સુધી હેમંતે ફોન ઉપાડ્યો નહોતો. આ અંગે તેમણે હોસ્ટેલના સંચાલકને ફોન કર્યો, પણ પહેલા તે પણ ફોન ઉપાડતા ન હતા. બાદમાં ફોન ઉપાડીને તેમણે GR (જનરલ રજિસ્ટર) નંબર માંગ્યો, જે તેમણે આપ્યો. ત્યાર બાદ દીકરાએ ફોન ઉપાડીને કહ્યું કે તે ન્હાવા ગયો હતો અને હવે કોલેજ જાય છે. કોલેજ ગયા પછી શું થયું કે તેણે આપઘાત કરવો પડ્યો, એ હજુ સમજાતું નથી.

સીતારામે કહ્યું કે તેમને આત્મહત્યાનો જરા પણ અંદાજ ન હતો. પહેલાં કોઈ દિવસ તેણે આત્મહત્યાના વિચારની વાત કરી નથી. જો એવું કહ્યું હોત તો તરત પોલીસનો સંપર્ક કરીને કાઉન્સેલિંગ કરાવી લેત. તેમણે કહ્યું કે કોલેજમાં આટલા વિદ્યાર્થી આપઘાત કરે છે તો જાળી લગાવવી જોઈએ અને સિક્યોરિટી રાખવી જોઈએ. તેમના બાળકો તેમના ભરોસે હોય તો તેમણે બાળકોની ચિંતા કરવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે મારવાડી યુનિવર્સિટીમાં સાઉથ ઇન્ડિયાના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવે છે. સીતારામે કહ્યું કે જો યુનિવર્સિટી સંચાલક તરફથી યોગ્ય જવાબ નહીં મળે તો તેઓ બીજા લોકોને કહેશે કે જ્યાં સલામતી ન હોય ત્યાં દૂર બાળકોને ભણવા ન મોકલો, પોતાની નજીકની કોલેજ કે યુનિવર્સિટીમાં જ અભ્યાસ કરાવો.

હેમંત કોમ્પ્યુટર સાયન્સ વિભાગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. તેની આત્મહત્યા બાદ સાઉથના વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ શરૂ કર્યો હતો. આ પહેલા 19 સપ્ટેમ્બર, 2026ના રોજ મારવાડી યુનિવર્સિટીમાં ગર્લ્સ હોસ્ટેલના 10મા માળેથી મૂળ આંધ્રપ્રદેશની વિદ્યાર્થિનીએ છલાંગ લગાવીને આત્મહત્યા કરી લીધી હતી.