સત્ય. સાહસ. સંકલ્પ.

ટાટા પંચને ટક્કર આપવા મારુતિ લાવશે નવી માઇક્રો-SUV, 6 એરબેગ અને સનરૂફની અપેક્ષા

ટાટા પંચને ટક્કર આપવા મારુતિ લાવશે નવી માઇક્રો-SUV, 6 એરબેગ અને સનરૂફની અપેક્ષા

ભારતીય ઓટોમોબાઈલ બજારના માઇક્રો-SUV સેગમેન્ટમાં ટાટા પંચ છેલ્લા કેટલાક વર્ષથી અગ્રણી સ્થાને છે. ગયા વર્ષે તે દેશની સૌથી વધુ વેચાતી SUVમાં સામેલ હતી, કારણ કે આ સેગમેન્ટમાં તેને સીધી હરીફાઈનો સામનો કરવો પડ્યો ન હતો. હવે દેશની સૌથી મોટી કાર ઉત્પાદક મારુતિ સુઝુકી આ સેગમેન્ટમાં નવી SUV લાવવાની તૈયારી કરી રહી છે, જે ટાટા પંચને સીધી ટક્કર આપશે. માનવામાં આવે છે કે આ કાર મારુતિની હાલની સુસ્ત વેચાણ ધરાવતી Ignisનું સ્થાન લેશે.

મારુતિની આગામી માઇક્રો-SUVનું કોડનેમ Y43 રાખવામાં આવ્યું છે, જોકે કેટલાક અહેવાલોમાં તેને Y34 તરીકે પણ ઓળખવામાં આવે છે. મીડિયા અહેવાલો અને સૂત્રો અનુસાર, ઇગ્નિસનું સ્થાન લેનારી આ કાર ક્રોસઓવર જેવી દેખાશે નહીં, પણ કંપની SUV તરીકે અપફ્રન્ટ સ્ટેન્સ જાળવી રાખશે. તેમાં ઊંચું ગ્રાઉન્ડ ક્લિયરન્સ અને બોલ્ડ લૂક જોવા મળશે. આ કાર 4 મીટરથી ઓછી લાંબી કોમ્પેક્ટ SUV હશે અને મારુતિના પોર્ટફોલિયોમાં ફ્રોન્ક્સથી નીચે સ્થાન પામશે. તેનું વેચાણ મારુતિના પ્રીમિયમ નેક્સા શોરૂમ દ્વારા થવાની ધારણા છે.

ફીચર્સની બાબતે મારુતિ ઘણીવાર તેના સ્પર્ધકો હ્યુન્ડાઇ અને ટાટાથી પાછળ રહે છે. જોકે, આ નવી SUV (Y43) સાથે મારુતિ મોટી છલાંગ લગાવવા તૈયાર છે. તેમાં બ્રેઝામાંથી લેવામાં આવેલી 10.1-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ હોઈ શકે છે. ઉપરાંત સેમી-ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ અને વેન્ટિલેટેડ કેબિન મળી શકે છે. પર્ફોર્મન્સ માટે સિંગલ-પેન સનરૂફની પણ અપેક્ષા છે. સલામતી માટે મારુતિ છ એરબેગ્સ ઓફર કરી શકે છે. તે ADAS (એડવાન્સ્ડ ડ્રાઇવર આસિસ્ટન્સ સિસ્ટમ) જેવી આધુનિક સુવિધા પણ ધરાવી શકે છે, જે આ બજેટ સેગમેન્ટમાં પ્રથમ હશે.

ટેકનિકલ રીતે આ નવી SUV સુઝુકીના હળવા અને મજબૂત HEARTECT પ્લેટફોર્મ પર આધારિત હશે. તે જ એન્જિનનો ઉપયોગ કરશે જે Dzire, Swift, Fronx અને Baleno જેવી કારને પાવર આપે છે. બોનેટ નીચે ગ્રાહકોને ઘણા એન્જિન વિકલ્પો મળી શકે છે. 1.2-લિટર 3-સિલિન્ડર પેટ્રોલ એન્જિન આપવામાં આવી શકે છે, જે દૈનિક ઉપયોગ માટે રિફાઈન્ડ હશે. આ સિવાય 1.0-લિટર ટર્બો-પેટ્રોલ એન્જિન પણ ઓફર કરવામાં આવી શકે છે. ફ્રોન્ક્સમાંથી લેવામાં આવેલું આ એન્જિન બજેટમાં સ્પોર્ટી રાઈડ અને સારો પિકઅપ ઇચ્છતા લોકો માટે યોગ્ય રહેશે.