જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના ગોચરને માનવજીવન સાથે જોડીને જોવામાં આવે છે. જ્યોતિષી ચેતન પટેલની આગાહી મુજબ, 18 સપ્ટેમ્બર 2026ના રોજ સાંજે આશરે 5:03 વાગ્યે મંગળ ગ્રહ પોતાની નીચ રાશિ કર્કમાં પ્રવેશ કરશે. મંગળ આ રાશિમાં 12 નવેમ્બર સુધી રહેશે.
કર્ક રાશિમાં પહેલેથી જ ગુરુ બિરાજમાન છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, ઉચ્ચ રાશિના ગુરુ અને નીચ રાશિના મંગળનો સંયોગ થાય ત્યારે 'નીચભંગ રાજયોગ' રચાય છે. આ યોગને કારણે દેશ અને દુનિયામાં મોટા ફેરફારોની શક્યતા છે.
મંગળને યુદ્ધ, સેના અને સંઘર્ષનો કારક ગ્રહ માનવામાં આવે છે. આ ગોચર દરમિયાન સીમા સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય વાટાઘાટો ચર્ચામાં રહેશે. જ્યોતિષી ગણતરી મુજબ, સપ્ટેમ્બરથી ઓક્ટોબર વચ્ચે અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવમાં ઘટાડો થઈ શકે છે.
બજાર અને અર્થતંત્રમાં પણ આ સમયગાળામાં વધઘટ જોવા મળશે. કેપિટલ ઈન્વેસ્ટમેન્ટ, રિયલ એસ્ટેટ, એનર્જી અને ટેક્નોલોજી ક્ષેત્રે સક્રિયતા વધવાની ધારણા છે. ક્રૂડ ઓઈલના ભાવ ઘટી શકે છે, જ્યારે સોના-ચાંદીમાં તેજીની શક્યતા છે. રોકાણકારોએ ઉતાવળે નિર્ણય ન લેવો જોઈએ.
ભારતની કુંડળી વૃષભ લગ્નની મનાય છે. આ ગોચરમાં મંગળ ત્રીજા ભાવમાંથી પસાર થશે, જે પાડોશી દેશો સાથે નાની-મોટી ગરમાગરમી દર્શાવે છે. ગુરુની શુભ દૃષ્ટિ હોવાથી મોટું સંકટ આવે તેવી શક્યતા ઓછી છે.
કર્ક જળ તત્ત્વની રાશિ છે, જે જનતા, આંતરિક સુરક્ષા અને ઘર-પરિવાર સાથે સંબંધ ધરાવે છે. આ સમયગાળામાં પાણી સંબંધિત ઘટનાઓ, નદી-ડેમ અને દરિયાઈ વિસ્તારોમાં હલચલ થઈ શકે છે. આગ કે અકસ્માત જેવી ઘટનાઓથી નાનું નુકસાન પણ નકારી શકાય નહીં.
આ ગોચર 6 રાશિઓ માટે મહત્ત્વપૂર્ણ ગણાય છે:
મેષ: મિલકત, વાહન અને પરિવારને લગતા નિર્ણયો માટે સમય મહત્ત્વનો છે. ઉતાવળને બદલે યોગ્ય આયોજન કરવું.
વૃષભ: સાહસ અને પરાક્રમમાં વધારો. પ્રવાસ અને સ્પર્ધાત્મક કાર્યોમાં સફળતા મળી શકે છે.
સિંહ: વિદેશી સંપર્કો અને આંતરરાષ્ટ્રીય કંપનીઓ સાથેના કામકાજને વેગ મળશે. ખર્ચ પર નિયંત્રણ રાખવું પડશે.
કન્યા: આવકના નવા સ્રોત ઊભા થશે. વ્યવસાયિક નેટવર્ક દ્વારા આર્થિક લાભની તકો વધશે.
તુલા: કારકિર્દીમાં નવી ઊંચાઈઓ મળશે. નોકરી કે વ્યવસાયમાં નવી જવાબદારીઓ વધશે.
કુંભ: નોકરીમાં પ્રગતિ થશે અને હરીફો સામે સ્થિતિ મજબૂત બનશે.
ખાસ નોંધનીય સમયગાળો 18 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર સુધીનો રહેશે. 31 ઓક્ટોબરે ગુરુ કર્ક રાશિમાંથી નીકળશે. ત્યારબાદ 1થી 12 નવેમ્બર સુધી મંગળ એકલો રહેશે, જેથી ગ્રહયોગની અસરમાં થોડો બદલાવ આવી શકે છે.